World Cup 2023, IND vs AUS Match : વન-ડે વર્લ્ડ કપ 2023ની યજમાન ટીમ ઇન્ડિયા આવતીકાલે (8 ઓક્ટોબર, રવિવાર) 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કાંગારુ ટીમનો રેકોર્ડ શાનદાર છે. આ વર્ષની શરૂઆતમાં તેણે ટીમ ઈન્ડિયાને હરાવી હતી. તે અહીં માત્ર એક જ મેચ હાર્યો છે. બીજી તરફ ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ પણ ખરાબ નથી. ભારત અહીં 14 મેચ રમ્યું છે અને 7 મેચમાં જીત મેળવી છે. જોકે યજમાન ટીમ ક્યારેય 300ના આંકને સ્પર્શી શકી નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નાઈમાં જબરજસ્ત મુકાબલાની આશા રાખવામાં આવે છે. જોકે વરસાદની પણ શક્યતા છે. ભારત વિ. ઓસ્ટ્રેલિયા મેચ બપોરે 2.00 કલાકેથી શરૂ થશે.
વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 12 મેચ રમાઈ છે. કાંગારુ ટીમનો રેકોર્ડ શાનદાર છે. તેણે 8 મેચ જીતી છે. ભારતે 4 મેચમાં જીત મેળવી છે. જોકે છેલ્લા 3 વર્લ્ડ કપની વાત કરીએ તો ભારતે 2 મેચ જીતી છે. તેણે 2011 અને 2019માં જીત મેળવી હતી. 2015માં ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો. વર્લ્ડ કપ 2019થી લઈને અત્યાર સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 12 વન ડે રમાઈ ચૂકી છે. બંને ટીમોએ 6-6 મેચમાં જીત મેળવી છે.
ચેપોકમાં વર્લ્ડ કપની મેચો
ચેન્નઇના ચેપોકની વાત કરીએ તો એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની 7 મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયા આમાંથી ત્રણ મેચ રમ્યું છે અને દરેક વખતે જીત્યું છે. 1987માં ટીમે ગ્રૂપ સ્ટેજની રોમાંચક મેચમાં ભારતને એક રનથી હરાવ્યું હતું અને ત્યાર બાદ ઝિમ્બાબ્વેને 96 રનથી હરાવ્યું હતું. 1996માં ક્વાર્ટર ફાઇનલમાં તેણે 287 રનનો ટાર્ગેટ હાંસલ કરીને ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. 1987ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર ઉપરાંત ભારતે ચેપોકમાં વધુ એક મેચ રમી છે. ભારતે 2011માં અહીં વેસ્ટ ઈન્ડીઝને 80 રનથી હરાવ્યું હતું.
આ પણ વાંચો – ભારત સામેની મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ફટકો, મેચમાંથી બહાર થઇ શકે છે આ ઓલરાઉન્ડર
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનારી ટીમ છ વખત જીતી છે
ચેન્નઈની પિચની વાત કરીએ તો ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરે છે. રવિવારે પણ આવું જ રહેશે. સ્પિનરો માટે મદદગાર પિચ સમય સાથે ધીમી થતી જાય છે. આ મેચ કાળા રંગની માટીની પિચ પર યોજાશે. અહીં સ્પિનરો અસરકારક રહેશે. અહીં વન ડેમાં છેલ્લી આઠ ઇનિંગ્સમાં સ્કોર 227થી 299ની વચ્ચે રહ્યો છે. જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ છ વખત જીતી છે.
ચેન્નઇનું હવામાન
ચોમાસાને કારણે ચેન્નઈમાં વરસાદની સંભાવના નકારી શકાય નહીં. રવિવારે વાતાવરણમાં ભેજ રહેવાની અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર-પૂર્વ ચોમાસુ સાંજે છુટોછવાયો વરસાદ લાવી શકે છે. હવામાન વિભાગે માત્ર 10 ટકા વરસાદની આગાહી કરી છે. વરસાદને પહોંચી વળવા માટે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાથી 4 સુપર સોપર મંગાવવામાં આવ્યા છે. અહીંની ડ્રેનેજ સિસ્ટમ પણ ઉત્તમ છે. જૂના કવર પણ બદલી નાખવામાં આવ્યા છે.





