World Cup 2023 India vs Bangladesh Match : ટીમ ઈન્ડિયા 19 ઓક્ટોબર, ગુરુવારે વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશનો સામનો કરશે. બાંગ્લાદેશની ટીમ 25 વર્ષ બાદ ભારતમાં વનડે મેચ રમશે. બાંગ્લાદેશ છેલ્લે 1998માં ભારતમાં વાનખેડે ખાતે ભારત સામે અંતિમ વન-ડે રમ્યું હતું. વર્લ્ડ કપ 2023ની વાત કરીએ તો રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ શાનદાર ફોર્મમાં છે પણ તેનાથી શાકિબ અલ હસનની ટીમને હળવાશથી લેવાની ભૂલ નહીં થાય. ખાસ કરીને અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડ સામે અને નેધરલેન્ડની સાઉથ આફ્રિકા સામેની જીત બાદ. વર્લ્ડ કપમાં 3 દિવસમાં 2 અપસેટ જોવા મળ્યા છે. અગાઉ ડિસેમ્બર 2022માં ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ પ્રવાસમાં વન ડે શ્રેણી 2-1થી હારી ગઈ હતી. ભારત છેલ્લી 4 વન-ડેમાંથી 3 માં બાંગ્લાદેશ સામે હાર્યું છે.
આ વર્લ્ડ કપમાં ભારતે ઓસ્ટ્રેલિયા બાદ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને હરાવ્યું છે. બીજી તરફ બાંગ્લાદેશની ટીમ 3માંથી 2 મેચ હારી છે. તેણે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. આ પછી તેનો ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો હતો.
પિચ રિપોર્ટ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (MCA)માં રમાશે. એમસીએ વિશે વાત કરીએ તો 2017 પહેલા બેટિંગ કરી રહેલી ટીમોએ અહીં પાંચમાંથી ત્રણ વન-ડે મેચમાં 300 થી વધુ રન બનાવ્યા છે. નાની બાઉન્ડ્રીના કારણે ઘણા રન બને છે. જોકે આ મેદાન પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નવ મહિનામાં આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. આ પિચ બેટ્સમેનોને અનુકૂળ રહેશે.
આ પણ વાંચો – વન-ડે વર્લ્ડ કપના સૌથી મોટા અપસેટ, બે વખત ભારત પણ બન્યું છે શિકાર
બુધવારે પૂણેમાં છુટોછવાયો વરસાદ થયો હતો
પૂણેના હવામાનની વાત કરીએ તો બુધવારે સાંજે છુટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. એમસીએ સ્ટેડિયમમાં બંને ટીમોના વૈકલ્પિક તાલીમ સત્ર દરમિયાન ઝરમર વરસાદને કારણે, ગ્રાઉન્ડ સ્ટાફને મુખ્ય પિચને કવર કરવા માટે દોડવું પડ્યું હતું. હવામાન વિભાગે (IMD) બુધવારે આંશિક વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી હતી. મેચના દિવસે એટલે કે ગુરુવારે હવામાન સારું રહેવાની અપેક્ષા છે. આ વર્ષે મહારાષ્ટ્ર રાજ્યમાં ચોમાસું ઓક્ટોબર સુધી લંબાયું છે અને શિયાળા પહેલા પ્રદેશમાં વરસાદ પડે છે.
ભારત વિનિંગ કોમ્બિનેશન સાથે છેડછાડ નહીં કરે
ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ બાંગ્લાદેશ સામેની મેચ અગાઉ બુધવારે કહ્યું હતું કે વર્લ્ડ કપમાં સતત ચોથી જીતની તલાશમાં રહેલી ભારતીય ટીમ આ મેચમાં તેમના વિનિંગ કોમ્બિનેશન સાથે છેડછાડ નહીં કરે. પારસ મ્હામ્બ્રેની વાતો પરથી સ્પષ્ટ થઈ ગયું કે સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમી જેવા ખેલાડીઓએ બેન્ચ પર બેસવું પડશે.
મ્હામ્બ્રેએ સ્વીકાર્યું હતું કે શમી અને અશ્વિન જેવા બોલરોને ટીમની બહાર રાખવાનો નિર્ણય મુશ્કેલ છે પણ ટીમ મેનેજમેન્ટ દરેક ખેલાડી સાથે વાતચીત કરે છે. અમે પીચને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ ટીમની પસંદગી કરીએ છીએ. આવી સ્થિતિમાં, કેટલીકવાર તમે ટીમની બહાર પણ હોઈ શકો છો. અશ્વિન જેવો બોલર પણ ટીમની બહાર છે અને મને લાગે છે કે તેની સાથેની અમારી વાતચીત ખુબ જ સ્પષ્ટ રહી છે. સૂર્યકુમાર અને શમીની પણ આવી જ સ્થિતિ છે.





