વન-ડે વર્લ્ડ કપમાં ભારત ક્યારેય પાકિસ્તાન સામે હાર્યું નથી, ભારત- 7, પાકિસ્તાન - 0, જુઓ, બધી મેચોની માહિતી

India vs Pakistan : વન-ડે વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામેનો રેકોર્ડ શાનદાર છે. ભારત આ જીતનો રેકોર્ડ યથાવત્ રાખવા માંગશે જ્યારે પાકિસ્તાન પ્રથમ જીત મેળવવા પ્રયત્ન કરશે. આ પહેલાની 7 મેચમાં કેવી હતી મેચની સ્થિતિ તે વિશે માહિતી આપી રહ્યા છીએ

India vs Pakistan : વન-ડે વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામેનો રેકોર્ડ શાનદાર છે. ભારત આ જીતનો રેકોર્ડ યથાવત્ રાખવા માંગશે જ્યારે પાકિસ્તાન પ્રથમ જીત મેળવવા પ્રયત્ન કરશે. આ પહેલાની 7 મેચમાં કેવી હતી મેચની સ્થિતિ તે વિશે માહિતી આપી રહ્યા છીએ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
india vs pakistan world cup match | india vs pakistan | world cup 2023

વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે હાઇ પ્રોફાઇલ મુકાબલો

World Cup 2023, India vs Pakistan : 14 ઓક્ટોબરે વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક હાઇ પ્રોફાઇલ મુકાબલો રમાવાનો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2.00 કલાકેથી રમાશે. વન-ડે વર્લ્ડ કપમાં જોવા જઇએ તો ભારતનો પાકિસ્તાન સામેનો રેકોર્ડ શાનદાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી 7 મેચો રમાઇ છે અને બધી જ મેચોમાં ભારતનો વિજય થયો છે. વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્યારેય ભારત સામે જીતી શક્યું નથી. ભારત આ જીતનો રેકોર્ડ યથાવત્ રાખવા માંગશે જ્યારે પાકિસ્તાન પ્રથમ જીત મેળવવા પ્રયત્ન કરશે.

Advertisment

વર્લ્ડ કપ 1992 - ભારતનો 43 રને વિજય

ભારત અને પાકિસ્તાનની ટીમ પ્રથમ વખત 1992ના વર્લ્ડ કપમાં સામ-સામે આવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે સચિન તેંડુલકરના અણનમ 54 અને અજય જાડેજાના 46 રનની મદદથી 7 વિકેટે 216 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 48.1 ઓવરમાં 173 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતનો 43 રને વિજય થયો હતો. પાકિસ્તાનના આમિર સોહેલે 62 અને જાવેદ મિયાંદાદે 40 રન બનાવ્યા હતા. ભારત તરફથી કપિલ દેવ, મનોજ પ્રભાકર, શ્રીનાથે 2-2 વિકેટ ઝડપી હતી.

વર્લ્ડ કપ 1996 - ભારતનો 39 રને વિજય

આ વર્લ્ડ કપમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 287 રન બનાવ્યા હતા. નવજોત સિંહ સિદ્ધુએ સૌથી વધારે 93 રન બનાવ્યા હતા. અજય જાડેજાએ 25 બોલમાં આક્રમક 45 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાન 49 ઓવરમાં 9 વિકેટે 248 રન બનાવી શક્યું હતું. પાકિસ્તાન તરફથી આમિર સોહેલે સૌથી વધારે 55 રન બનાવ્યા હતા. આ મેચમાં આ આમિર સોહેલની સ્લેજિંગ કરી હતી અને પછી વેંકટેશ પ્રસાદે બોલ્ડ કરી બદલો લીધો હતો.

વર્લ્ડ કપ 1999 - ભારતનો 47 રને વિજય

1999ના વર્લ્ડ કપમાં ભારતે 50 ઓવરમાં 6 વિકેટે 227 રન બનાવ્યા હતા. ભારત તરફથી રાહુલ દ્રવિડે 61, મોહમ્મદ અઝહરુદ્દીને 59 અને સચિન તેંડુલકરે 45 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 45.3 ઓવરમાં 180 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. સૌથી વધારે ઇન્ઝમામ ઉલ હકે 41 રન બનાવ્યા હતા. ભારત તરફથી વેંકટેશ પ્રસાદે 5 અને જવાગલ શ્રીનાથે 3 વિકેટ ઝડપી હતી.

Advertisment

વર્લ્ડ કપ 2003 - ભારતનો 6 વિકેટે વિજય

પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા સઇદ અનવરના 101 રનની મદદથી 50 ઓવરમાં 7 વિકેટે 273 રન બનાવ્યા હતા. જવાબમાં સચિન તેંડુલકરના 75 બોલમાં આક્રમક 98 રનની મદદથી ભારતે 45.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ સિવાય યુવરાજ સિંહે અણનમ 50 અને રાહુલ દ્રવિડે અણનમ 44 રન બનાવ્યા હતા. સચિને શોએબ અખ્તરની ઓવરમાં મારેલી સિક્સર ચર્ચામાં રહી હતી.

આ પણ વાંચો - ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ બની શકે છે વિધ્ન, અમદાવાદમાં 14 અને 15 તારીખે વરસાદની આગાહી

વર્લ્ડ કપ 2011 - ભારતનો 29 રને વિજય

2011ના વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન ટકરાયા હતા. આ મેચ મોહાલીમાં રમાઇ હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 260 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરે સૌથી વધારે 85 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 49.5 ઓવરમાં 231 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ભારત આ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું.

વર્લ્ડ કપ 2015 - ભારતનો 76 રને વિજય

આ મુકાબલો એડિલેડમાં રમાયો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 300 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 107, શિખર ધવન 73 અને સુરેશ રૈનાએ 74 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 47 ઓવરમાં 224 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. મિસ્બાહ ઉલ હકે સૌથી વધારે 76 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી.

વર્લ્ડ કપ 2019 - ભારતનો 89 રને વિજય

ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડ કપમાં છેલ્લો મુકાબલો ઈંગ્લેન્ડમાં 2019 વર્લ્ડ કપ દરમિયાન થયો હતો. રોહિત શર્માના 140, વિરાટ કોહલીના 77 અને કેએલ રાહુલના 57 રનની મદદથી ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 336 રન બનાવ્યા હતા. વરસાદના કારણે પાકિસ્તાન 40 ઓવરમાં 302 રનનો પડકાર બન્યો હતો. જવાબમાં પાકિસ્તાન 40 ઓવરમાં 6 વિકેટે 212 રન બનાવી શકી હતી. પાકિસ્તાન તરફથી ફખર ઝમાને સૌથી વધારે 62 રન બનાવ્યા હતા. ભારતનો ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 89 રને વિજય થયો હતો.

ભારત ક્રિકેટ ટીમ પાકિસ્તાન ક્રિકેટ ટીમ World Cup 2023 નરેન્દ્ર મોદી સ્ટેડિયમ Express Exclusive સ્પોર્ટ્સ વર્લ્ડકપ