Mohammed Shami : ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે ગુરુવારનો દિવસ ખૂબ જ યાદગાર રહ્યો હતો. આ ખેલાડીએ શ્રીલંકા વિરૂદ્ધ પાંચ વિકેટ ઝડપી હતી અને વર્લ્ડકપ ઈતિહાસના મોટા રેકોર્ડ પણ તોડ્યા હતા. શમી હવે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. આટલું જ નહીં તે વર્લ્ડ કપમાં સૌથી વધુ પાંચ વિકેટ ઝડપનાર બોલર પણ બની ગયો છે. શમીએ પોતાની સફળતાની ઉજવણી ખાસ રીતે કરી હતી. જે ચર્ચામાં રહી હતી.
મોહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપી હતી
મોહમ્મદ શમીએ ગુરુવારે એન્જેલો મેથ્યુસ, દુષણ હેમંતા, દુષ્મંથા ચમીરા, કસુન રંજિથા અને અસલંકાને પેવેલિયન ભેગા કર્યા હતા. કસુન રંજિથાની વિકેટ લીધા બાદ શમીએ ડ્રેસિંગ રૂમ તરફ જોયું હતું અને બોલ બતાવ્યો હતો. આ પછી શમીએ બોલ તેના માથા પર રાખીને ફેરવ્યો હતો. તે સમયે આ ઉજવણીનો અર્થ કોઈને સમજાયો ન હતો. મેચ બાદ શુભમન ગિલે આ રહસ્ય ચાહકો સમક્ષ જાહેર કર્યું હતું.
શમીની ખાસ ઉજવણી
શુભમન ગિલે મેચ બાદ જણાવ્યું હતું કે મોહમ્મદ શમીએ માથા પર બોલ ફેરવીને બોલિંગ કોચ પારસ મ્હામબ્રે તરફ ઈશારો કર્યો હતો. પારસના માથા પર વાળ નથી અને તેથી જ શમી તેના માથા પર બોલ રાખીને ફેરવી રહ્યો હતો.
આ પણ વાંચો – મોહમ્મદ શમીએ રચ્યો ઈતિહાસ, વન-ડે વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો
બોલિંગ એ રોકેટ સાયન્સ નથી – મોહમ્મદ શમી
પોતાના પ્રદર્શન અંગે મોહમ્મદ શમીએ કહ્યું કે હું હંમેશા પિચ પર યોગ્ય જગ્યાએ બોલને ટપ્પો પાડવાનો પ્રયાસ કરું છું. મારો પ્રયત્ન રહે છે કે બોલ લયમાં રહે. જો કોઈ મોટી ટૂર્નામેન્ટમાં તમારી લય એક વખત બગડી જાય તો વાપસી કરવી મુશ્કેલ બની જાય છે. બાકી તેમાં કોઈ રોકેટ સાયન્સ જેવી ચીજ નથી. અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને તમે પરિણામો જોઈ શકો છો.





