world cup 2023 : વન-ડે વર્લ્ડ કપ 2023 માટે 15 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે જે ટીમની પસંદગી કરવામાં આવી છે તે સંપૂર્ણપણે સંતુલિત જોવા મળી રહી છે. વન-ડે વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ ફરી એક વખત પોતાની ધરતી પર ત્રીજી વખત ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે. પરંતુ આ વર્લ્ડ કપમાં કયો ખેલાડી ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે. આ વિશે પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે જણાવ્યું હતું.
કુલદીપ યાદવ રોહિત શર્મા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે
વન-ડે વર્લ્ડ કપ 2023માં રોહિત શર્માનો ટ્રમ્પ કાર્ડ કોણ હશે તે વિશે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર મોહમ્મદ કૈફે ઉલ્લેખ કર્ચો. તેણે આ માટે વિરાટ કોહલી, શુભમન ગિલ કે જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજોનો નામ આપ્યા ન હતા. કૈફે લખ્યું કે રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ આ વન-ડે વર્લ્ડકપમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે. કૈફે કુલદીપ યાદવ માટે લખ્યું કે તે તમામ પ્રકારના બેટ્સમેનો માટે સમાન રૂપથી પ્રભાવી સાબિત થશે.
આ પણ વાંચો – ભારતને વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવાની જવાબદારી આ 15 ખેલાડીઓ પર રહેશે, જાણો કેવો છે તેમનો વન-ડેમાં રેકોર્ડ
મોહમ્મદ કૈફે વન ડે ફોર્મેટમાં કુલદીપ યાદવના પ્રભાવશાળી આંકડાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતુ કે તેણે ક્રિકેટના આ ફોર્મેટમાં કુલ મળીને 141 વિકેટ ઝડપી છે, જેમાંથી 81 વિકેટ રાઇટ હેન્ડ બેટ્સમેન અને 60 વિકેટ લેફ્ટ હેન્ડ બેટ્સમેનો છે. આ આંકડો સ્પષ્ટ પણે દર્શાવે છે કે કુલદીપ લગભગ બધી જ રીતે બેટ્સમેનો માટે એક સમાન રૂપથી અસરકારક છે. કૈફે વધુમાં લખ્યું છે કે આ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં કોઈ પણ ઓફ સ્પિનરનો સમાવેશ કરવામાં આવ્યો નથી જે તે વધારે આશ્ચર્યજનક વાત નથી.
વન-ડે વર્લ્ડ કપ 2023 માટે 15 સભ્યોની ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ , ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા (વાઇસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.





