world cup 2023 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ નજમ સેઠીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ(આઇસીસી)ના ચેરમેન ગ્રેગ બાર્કલેને વન-ડે વર્લ્ડકપ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કટ્ટર હરીફ ભારત સામે મેચ રમવાને લઇને પોતાની આશંકાઓ જણાવી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. પાકિસ્તાન પોતાની મેચ કોલકાતા, ચેન્નઈ અને બેંગલુરૂમાં રમવા માંગે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમવા માંગતા નથી.
આઇસીસીના પ્રમુખ ગ્રેગ બાર્કલે અને આઇસીસીના જનરલ મેનેજર જ્યોફ અલાર્ડિસે તાજેતરમાં જ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને પીસીબીના અધિકારીઓ પાસેથી ખાતરી મેળવી હતી કે તેઓ વન-ડે વર્લ્ડ કપમાં તેમની મેચો તટસ્થ સ્થળે યોજવાની માગણી નહીં કરે. ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહની આગેવાની હેઠળની એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) એશિયા કપની મેચોનું આયોજન ‘હાઈબ્રિડ મોડલ’ પર કરવાની પાકિસ્તાનની માગને નકારી કાઢી છે.
આ પણ વાંચો – એમએસ ધોનીનો જબરો પ્રશંસક, લગ્નના કાર્ડ પર છપાવ્યો માહીનો ફોટો, કંકોત્રીનો કલર રાખ્યો યલ્લો
પાકિસ્તાન નોકઆઉટ કે ફાઈનલ જ અમદાવાદમાં રમવા માંગે છે
પીસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે નજમ સેઠીએ બાર્કલે અને અલાર્ડિસને જાણ કરી છે કે જ્યાં સુધી તે નોકઆઉટ અથવા ફાઇનલ ન હોય ત્યાં સુધી પાકિસ્તાન અમદાવાદમાં મેચ રમવા માંગતું નથી. તેમણે આઇસીસીને વિનંતી કરી છે કે જો પાકિસ્તાન સરકાર વર્લ્ડ કપ રમવા માટે ભારત જવાની મંજૂરી આપે તો પાકિસ્તાનની મેચો ચેન્નઈ, બેંગલુરુ અને કોલકાતામાં યોજવી જોઈએ.
અમદાવાદમાં ટીમની સુરક્ષાને લઈને પાકિસ્તાન બોર્ડ ચિંતિત
પાકિસ્તાન બોર્ડ અમદાવાદમાં ટીમની સુરક્ષાને લઇને ચિંતિત છે. જોકે ઈન્ઝમામ ઉલ હકની કેપ્ટનશિપમાં પાકિસ્તાની ટીમે 2005માં અમદાવાદના મોટેરામાં મેચ રમી હતી. સેઠીએ એમ પણ કહ્યું છે કે જો આગામી પાંચ વર્ષના ચક્ર માટે આઇસીસીની આવકમાં પાકિસ્તાનનો હિસ્સો વધારવામાં નહીં આવે તો તેઓ નવા રેવન્યુ મોડલનો સ્વીકાર કરશે નહીં.