વર્લ્ડ કપ 2023 : જિમી નીશમના ટીચરને વર્લ્ડ કપમાં 44 વર્ષ પછી મળ્યો મિત્ર, વન-ડે ક્રિકેટના ઉદય અને અસ્તની કહાની કહે છે દોસ્તી

World Cup 2023 : બ્રાઇસને 40 વર્ષથી વધારે સમય પછી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક મિત્ર મળ્યો હતો. બંને છેલ્લે 1979માં મળ્યા હતા, ત્યારે વન-ડે ક્રિકેટનો ઉદય થયો હતો. હવે જ્યારે તેઓ મળ્યા છે ત્યારે વન ડે ક્રિકેટ અસ્ત તરફ આગળ વધી રહ્યું છે

October 06, 2023 15:31 IST
વર્લ્ડ કપ 2023 : જિમી નીશમના ટીચરને વર્લ્ડ કપમાં 44 વર્ષ પછી મળ્યો મિત્ર, વન-ડે ક્રિકેટના ઉદય અને અસ્તની કહાની કહે છે દોસ્તી
જિમી નીશમના શિક્ષક બ્રાઇસ બેવિનનો એક સંયોગ જુઓ કે તેમને તેનો જૂનો મિત્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મળી ગયો (Express Photo)

Sriram Veera , Devendra Pandey : ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ હતી. જોકે આ દરમિયાન મેદાન ખાલી જોવા મળ્યું હતું. 1.33 લાખની પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ વન ડે ક્રિકેટની ઘટતી જતી લોકપ્રિયતાનું તાજું ઉદાહરણ બનીને ઉભરી આવ્યું હતુ. આ દરમિયાન સાઇટ સ્ક્રીન પાસેના સ્ટેન્ડમાં બેઠેલા એક પ્રેક્ષકે ન્યૂઝીલેન્ડના ક્રિકેટર જિમી નીશમને બૂમ પાડીને કહ્યું “ઓ! જીમ્મી! અહીં તમારા શિક્ષક છે.

આ બીજા કોઈ નહીં પણ નીશમની શાળામાં વ્યાકરણના શિક્ષક બ્રાઇસ બેવિન હતા. નીશમના પિતાના મિત્ર બ્રાઈસ સ્પેનની રગ્બી ટીમના કોચ રહી ચુક્યા છે. તે ક્રિકેટને પ્રેમ કરે છે અને ન્યૂઝીલેન્ડની ટીમને સપોર્ટ કરવા માટે પહેલીવાર ભારત આવ્યા છે. બ્રાઇસને 40 વર્ષથી વધારે સમય પછી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક મિત્ર મળ્યો હતો. મિત્રને અફસોસ એ વાતનો હતો કે બંને દારૂ પીને તેની ઉજવણી કરી શકતા નથી, કારણ કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે. એટલે કે અહીં દારૂ પીવા પર પ્રતિબંધ છે. બંને છેલ્લે 1979માં મળ્યા હતા, ત્યારે વન-ડે ક્રિકેટનો ઉદય થયો હતો. હવે જ્યારે તેઓ મળ્યા છે ત્યારે વન ડે ક્રિકેટ અસ્ત તરફ આગળ વધી રહ્યું છે.

નીશમના કોચે વનડે ક્રિકેટ વિશે કહી મોટી વાત

બપોરે આકરા તડકામાં બેવિને મોટાભાગે ખાલી રહેલા 1.33 લાખ ની ક્ષમતાવાળા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વનડે ક્રિકેટ વિશે મોટી મોટી વાત કરી હતી. તેમણે કહ્યું કે વન-ડે ફોર્મેટનો અંત આવી રહ્યો છે, ખરું ને? હું માનું છું કે આ દેશમાં ક્રિકેટ એક ધર્મ છે પણ મોટી સંખ્યામાં ન આવવા માટે હું લોકોને દોષી ન ઠેરવી શકું. જો મારે વધુ સારું ક્રિકેટ જોવું હોય તો તે એક ટેસ્ટ મેચ છે. રોમાંચ માટે ટી-20 છે. ઘણા દેશોમાં આ રમત સાથે સંકળાયેલ હોવાથી હું સમજી શકું છું કે આ ફોર્મેટ હવે રોમાંચક રહ્યું નથી. મને લાગે છે કે જેવો સૂર્યાસ્ત થશે અને મેચ રસપ્રદ બનશે ત્યારે લોકો ધીરે ધીરે આવશે.

આ પણ વાંચો – ભાજપે અમદાવાદમાં મહિલાઓને 40 હજાર મફત ટિકિટ આપી, પૈસા ક્યાંથી આવ્યા તે અંગે પ્રવક્તાએ જવાબ ના આપ્યો

બેવિનની ભવિષ્યવાણી સાચી પડી

બેવિનની આ ભવિષ્યવાણી સાચી પડી. ન્યૂઝીલેન્ડે જ્યારે મેચ પકડ બનાવી અને ઈંગ્લેન્ડના 282 રનના સ્કોરનો પીછો કરી રહ્યું હતું ત્યારે સ્ટેન્ડ્સ ભરાવા લાગ્યા હતા. ફ્લડલાઇટ્સ ચાલુ થતા જ 20 હજારથી વધુ ચાહકોએ ટી-20 સ્ટાઇલમાં ક્રિકેટની મજા માણી હતી. એક તરફી મેચમાં વેલિંગ્ટનમાં જન્મેલા રચિન રવિન્દ્રએ સદી ફટકારી હતી, જેનું બેંગ્લુરુમાં જન્મેલા પિતાએ તેનું નામ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના નામ પરથી રાખ્યું હતું. રચિન અને ડેવોન કોનવે અણનમ રહ્યા હતા. કોનવે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) તરફથી રમે છે. ન્યૂઝીલેન્ડનો 9 વિકેટે વિજય થયો હતો.

બ્રાઇસ બેવિન 40 વર્ષથી વધુ સમય પછી મિત્રને મળ્યા

જિમી નીશમના શિક્ષક બ્રાઇસ બેવિનનો એક સંયોગ જુઓ કે તેમને તેનો જૂનો મિત્ર મળી ગયો. બેવિન અને તેના મિત્ર જોન પોલને અપેક્ષા ન હતી કે બંને 40 વર્ષથી વધુ સમય બાદ આ રીતે એક સ્ટેડિયમમાં મળશે. બેવિનના મિત્રએ કહ્યું કે યોગાનુયોગ! હું પાણીની બોટલ લેવા ગયો અને મારા સેલિબ્રિટી મિત્રને જોયો. કલ્પના કરો કે આપણે 40 વર્ષ પછી ભારતમાં એક ડ્રાઇ સ્ટેટમાં મળ્યા છીએ. દારૂ પીને ઉજવણી પણ કરી શકતા નથી. પછી બંને હસી પડ્યાં હતા.

છેલ્લી વખત અમે વન-ડે ક્રિકેટના ઉદય વખતે મળ્યા હતા

બ્રાઇસે કહ્યું કે અમે છેલ્લે 1979માં મળ્યા હતા. 1979માં ઈંગ્લેન્ડમાં બીજી વખત વન-ડે વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે વિવિયન રિચર્ડ્સ જેવો ખેલાડી ચમક્યો હતો અને ક્રિકેટ જગતને મર્યાદિત ઓવરોના નવા ફોર્મેટ પ્રત્યે પ્રેમ થવા લાગ્યો હતો. ચાર વર્ષ બાદ યુવા કપિલ દેવે લોર્ડ્ઝની બાલકનીમાંથી પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ સાથે તસવીર ખેંચાવી હતી. આ ફ્રેમને કારણે ભારત વન-ડેના પ્રેમમાં પડી ગયું હતું. કોણે વિચાર્યું હશે કે ટી-20 ક્રિકેટના ઉદય પછી આ ફોર્મેટની લોકપ્રિયતામાં આટલો ઘટાડો થશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય દરવાજાની બહાર સન્નાટો હતો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મેચોથી વિપરીત, વર્લ્ડ કપની પ્રથમ મેચ દરમિયાન ટોસ માટે એક કલાક બાકી રહ્યો ત્યાં સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય દરવાજાની બહાર સન્નાટો છવાઈ ગયો હતો. ફ્લેગ વેચનારાઓ, ચહેરા પર ચિત્ર બનાવનારા, નકલી ટીમની જર્સી વેચનારા, સેન્ડવિચ વેચનારાઓ પણ નિરાશ થયા હતા. કોઈ ભીડ ન હતી, કોઈ ધક્કા-મુક્કી ન હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ