Pakistan vs Afghanistan World Cup 2023 Score: ઇબ્રાહિમ ઝાદરાન (87), રહમત શાહ (77 અણનમ) અને રહમાનુલ્લાહ ગુરબાઝની (65)અડધી સદીની મદદથી અફઘાનિસ્તાને વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન સામે 8 વિકેટે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટે 282 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાને 49 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. અફઘાનિસ્તાને વન-ડેમાં પાકિસ્તાન સામે પ્રથમ વખત વિજય મેળવ્યો છે. વર્લ્ડ કપ 2023માં આ પહેલા અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડ સામે વિજય મેળવ્યો હતો.
283 રનના વિશાળ પડકારનો પીછો કરતા અફઘાનિસ્તાનના ગુરબાઝ અને ઇબ્રાહિમ ઝાદરાને પ્રથમ વિકેટ માટે 130 રનની ભાગીદારી નોંધાવી હતી. ગુરબાઝ 53 બોલમા 9 ફોર 1 સિક્સર સાથે 65 રન બનાવી આઉટ થયો હતો. આ પછી ઝાદરાન 113 બોલમાં 10 ફોર સાથે 87 રન બનાવી હસન અલીનો શિકાર બન્યો હતો. રહમત શાહે અડધી સદી ફટકારી બાજી સંભાળી હતી. રહમત શાહ (77)અને કેપ્ટન શાહિદીએ (48) અણનમ 96 રનની ભાગીદારી કરી ટીમની જીત અપાવી હતી.
આ પહેલા પાકિસ્તાન તરફથી અબ્દુલ્લા શફિકીએ 58, કેપ્ટન બાબર આઝમે 74, શાદાબ ખાન અને ઇફ્તિખાર અહમદે 40-40 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી નૂર અહમદે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો – વન-ડે વર્લ્ડ કપના સૌથી મોટા અપસેટ, બે વખત ભારત પણ બન્યું છે શિકાર
વર્લ્ડ કપ 2023માં ત્રીજો મેજર અપસેટ
અફઘાનિસ્તાને પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપ 2023માં ત્રીજો મેજર અપસેટ સર્જ્યો છે. આ પહેલા આ વર્લ્ડ કપનાં બે મોટા અપસેટ સર્જાયા હતા. નેધરલેન્ડ્સે અપસેટ સર્જતા દક્ષિણ આફ્રિકા સામે 38 રને વિજય મેળવ્યો હતો. આ સિવાય અફઘાનિસ્તાને વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો.
બાબર આઝમે વન-ડેમાં 5500 રન પૂરા કર્યા
બાબર આઝમે અફઘાનિસ્તાન સામેની મેચમાં 74 રન બનાવ્યા હતા. આ દરમિયાન વન ડેમાં પોતાના 5500 રન પુરા કર્યા હતા અને તે વન ડેમાં આ આંકડા સુધી પહોંચનારો બીજો સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો હતો. બાબર આઝમે 110 વન-ડે ઇનિંગ્સમાં પોતાના 5500 રન પૂરા કર્યા હતા. આ સાથે જ તેણે વિવ રિચાર્ડ્સ અને વિરાટ કોહલીને પાછળ છોડી દીધા હતા. રિચાર્ડ્સે 123 ઇનિંગ્સમાં આ આંકડાને સ્પર્શ્યો હતો જ્યારે વિરાટ કોહલીએ 124 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ લિસ્ટમાં પહેલા નંબર પર હાશિમ અમલા છે, અમલાએ 108 ઇનિંગમાં વનડેમાં 5500 રન પૂરા કર્યા હતા.





