Pakistan Cricket Team: એશિયા કપમાં હાર બાદ પાકિસ્તાન ક્રિકેટમાં શરૂ થયેલી અરાજકતા અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ક્યારેક બાબર આઝમ નારાજ હોવાના તો ક્યારેક શાહીન આફ્રિદી નારાજ હોવાની બબાલ સામે આવી રહી છે. વર્લ્ડ કપ 2023 પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને વધુ એક મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાનના પૂર્વ ખેલાડી મોહમ્મદ હફીઝે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ટેકનિકલ કમિટીના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં બબાલ
ગુરુવારે PCBની એક ખાસ બેઠક યોજાઈ હતી જેમાં એશિયા કપમાં ટીમના પ્રદર્શન પર ચર્ચા કરવામાં આવી હતી. પાકિસ્તાન સુપર-4 રાઉન્ડમાં જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. શાદાબ ખાન ઉપરાંત પૂર્વ કેપ્ટન મિસ્બાહ-ઉલ-હક, વર્તમાન કેપ્ટન બાબર આઝમ, મોહમ્મદ હફીઝ પણ પીસીબી અધ્યક્ષ ઝકા અશરફ સાથેની આ બેઠકમાં સામેલ થયા હતા. પાકિસ્તાન બોર્ડે કહ્યું કે તેઓ એક એવી સિસ્ટમ બનાવવા માંગે છે જ્યાં દરેક વ્યક્તિ પોતાના વિચારો વ્યક્ત કરી શકે. ટીમની ખામીઓ પર ચર્ચા થઈ શકે છે જેથી તે સુધારી શકે.
મોહમ્મદ હાફિઝે રાજીનામું આપી દીધું
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મીટિંગ બાદ હાફિઝે સોશિયલ મીડિયા પર પોતાના રાજીનામાની જાણકારી આપી હતી. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘મેં પાકિસ્તાનની ટેકનિકલ કમિટી છોડવાનો નિર્ણય કર્યો છે. હું માનદ સભ્ય હતો. મને આ તક આપવા બદલ હું ઝકા અશરફનો આભાર માનું છું. જ્યારે પણ ઝકા અશરફ અને પાકિસ્તાન ક્રિકેટને મારી જરૂર પડશે ત્યારે હું ઉપલબ્ધ રહીશ. હું પાકિસ્તાન ક્રિકેટને શુભેચ્છા પાઠવું છું.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આ સમિતિનું કામ ટીમમાં સુધારા માટે સૂચનો આપવાનું હતું. આ સમિતિ જકા અશરફને રિપોર્ટ કરતી હતી. આ સમિતિમાં હાફિઝ ઉપરાંત પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હક અને મિસ્બાહ ઉસ હકનો સમાવેશ થાય છે. બોર્ડની બેઠક બાદ હાફીઝના નિર્ણયથી ચાહકોને આશ્ચર્ય થયું છે. લોકો સોશિયલ મીડિયા પર સતત કહી રહ્યા છે કે પાકિસ્તાન ક્રિકેટમાં બધું બરાબર નથી.