વર્લ્ડ કપ 2023 પછી પીસીબી બાબર આઝમને કેપ્ટન પદેથી હટાવશે? પાકિસ્તાની મીડિયામાં ચર્ચા 

World Cup 2023 : વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ટીમનો અફઘાનિસ્તાન સામે 8 વિકેટ પરાજય થયો હતો, પાકિસ્તાનની ટીમ વન ડે ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત અફઘાનિસ્તાન સામે હારી

Written by Ashish Goyal
Updated : October 24, 2023 16:24 IST
વર્લ્ડ કપ 2023 પછી પીસીબી બાબર આઝમને કેપ્ટન પદેથી હટાવશે? પાકિસ્તાની મીડિયામાં ચર્ચા 
બાબર આઝમ (File Photo)

World Cup 2023 : વર્લ્ડ કપ 2023માં સોમવારે પાકિસ્તાનની ક્રિકેટ ટીમે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની ટીમ અફઘાનિસ્તાન સામે 8 વિકેટથી મેચ હારી ગઈ હતી. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનનો આ સતત ત્રીજો પરાજય થયો હતો, જેના કારણે ટીમના વર્લ્ડ કપ અભિયાનને ફટકો પડયો છે. અફઘાનિસ્તાન સામેની હાર બાદ પાકિસ્તાની મીડિયામાં બાબર આઝમ અને પીસીબીને લઇને ઘણી ચર્ચા થઇ રહી છે. મીડિયામાં આ બંનેની મજાક ઉડી રહી છે અને ટીમ તેમજ મેનેજમેન્ટમાં પણ પરિવર્તનની માગ ઉઠવા પામી છે.

અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનનો પ્રથમ પરાજય

પાકિસ્તાની મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાન સામેની હાર બાદ પાકિસ્તાનનું વર્લ્ડ કપ અભિયાન પાટા પરથી ઉતરી ગયું છે. સતત ત્રણ હાર બાદ હવે પાકિસ્તાની ટીમે આગળ વધવા માટે આવનારી તમામ મેચ જીતવી પડશે અને હાલની પરિસ્થિતિને જોતા આ ખૂબ જ મુશ્કેલ છે. પાકિસ્તાનની ટીમ વન ડે ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત અફઘાનિસ્તાન સામે હારી છે.

પાકિસ્તાનની ટીમ સંપૂર્ણપણે નિષ્ફળ: ડોન અખબાર

પાકિસ્તાની મીડિયામાં બાબર આઝમ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ડોન અખબારના એક અહેવાલમાં અફઘાનિસ્તાન સામેની હાર પર કહેવામાં આવ્યું છે કે આ પરાજયથી પાકિસ્તાની ટીમના અભિયાનને નુકસાન થયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાંચ મેચમાં ત્રણ હારને કારણે આગળનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. આ જીત અફઘાનિસ્તાન માટે તણાવપૂર્ણ સમયે આવી છે. બંને પડોશીઓ વચ્ચે રાજકીય અને ફૂટનીતિક સંબંધો ખરાબ છે. પાકિસ્તાની ટીમ અફઘાનિસ્તાન સામે એકદમ ફિસડી જોવા મળી રહી હતી. અફઘાનિસ્તાનના ઓપનરોએ 16મી ઓવરમાં ટીમનો સ્કોર 100 રનને પાર કરી દીધો હતો.

આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023માં વધુ એક મેજર અપસેટ, અફઘાનિસ્તાને પાકિસ્તાનને હરાવ્યું

બાબર આઝમની કેપ્ટન્સી સામે પ્રશ્નાર્થ – ધ નેશન

પાકિસ્તાનના અન્ય એક મોટા અખબાર ધ નેશને એક રિપોર્ટમાં લખ્યું છે કે ખરાબ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગે આ નિરાશાજનક પરાજય આપ્યો છે. આ હાર બાદ પાકિસ્તાન માટે ચિંતા વધી ગઇ છે. બાબર આઝમની કેપ્ટનશિપની હાલ તપાસ ચાલી રહી છે. ગંભીર પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવાની અને બોલિંગમાં અસરકારક ફેરફારો કરવાની ક્ષમતા તેનામાં નથી. બાબર આઝમ દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં સ્થાન ધરાવે છે પણ કેપ્ટન્સીની કુશળતા અસરકારક હોય તેમ લાગતું નથી.

પીસીબીએ મોટા ફેરફાર કરવા પડશે – ડેઈલી ટાઈમ્સ

ડેઈલી ટાઈમ્સે એક લેખમાં લખ્યું છે કે પીસીબીએ હવે ટૂંક સમયમાં પાકિસ્તાન ક્રિકેટમાં મોટા ફેરફાર કરવા પડશે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને પીસીબીએ રમત પર ધ્યાન આપવું પડશે. અફઘાનિસ્તાનથી મળેલી હારથી ઘણી ખામીઓ સામે આવી છે. ટીમમાં સાતત્યતાનો અભાવ જણાય છે. હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) દેશમાં રમતની સ્થિતિ પર ગંભીરતાથી વિચાર કરે. હાલનો અભિગમ સ્પષ્ટપણે કામ કરી રહ્યો નથી અને જો પાકિસ્તાને પોતાનો અગાઉનો દબદબો પાછો મેળવવો હોય તો મોટા ફેરફારો કરવા પડશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ