World Cup 2023 Points Table : વર્લ્ડ કપ 2023 તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકાએ સેમિ ફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનો પ્રવેશ પણ લગભગ નિશ્ચિત છે. બીજી તરફ શ્રીલંકા, ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સના અભિયાનનો અંત આવી ગયો છે. એટલે કે હવે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને સેમિ ફાઇનલમાં પહોંચવાની તક છે. એક સ્થાન માટે ત્રણ દાવેદાર છે. આવો જાણીએ આ ત્રણ ટીમો કેવી રીતે સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે.
અફઘાનિસ્તાન – 7 મેચ, 8 પોઇન્ટ
અફઘાનિસ્તાન હાલ 7 મેચો રમી છે અને તેના 4 વિજય સાથે 8 પોઇન્ટ છે. અફઘાનિસ્તાનનો આજે (મંગળવારે) ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો રમાઇ રહ્યો છે અને આ પછી 10 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે રમશે. જો આ બન્ને મેચમાં જીત મેળવે તો 12 પોઇન્ટ સાથે આસાનીથી સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે. જો તેની હરીફ બન્ને ટીમો મજબૂત છે. જેથી આ સંભાવના ઓછી છે. જો તે બે માંથી ગમે તે એક મેચમાં જીત મેળવે અને પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ પોત-પોતાની આગામી મેચોમાં હારી જાય તો પણ અફઘાનિસ્તાન સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે.
વર્લ્ડ કપ 2023નું પોઇન્ટ ટેબલ અહીં જુઓ
પાકિસ્તાન – 8 મેચ, 8 પોઇન્ટ
પાકિસ્તાનના હાલ 8 મેચમાં 4 જીત સાથે 8 પોઇન્ટ છે. હવે તે એક મેચ 11 નવેમ્બરે ઇંગ્લેન્ડ સામે રમવાનું છે. પાકિસ્તાન માટે આ મેચમાં જીત મેળવવી જરૂરી છે. આ મેચમાં જીત જ નહીં મોટી જીત જરૂરી છે. કારણ કે ન્યૂઝીલેન્ડના પણ 8 પોઇન્ટ છે અને તેની એક મેચ બાકી છે. જો તે ન્યૂઝીલેન્ડ જીતી જાય તો પાકિસ્તાન અને બન્નેના 10-10 પોઇન્ટ થાય. આવા સંજોગોમાં પાકિસ્તાન માટે મોટી જીત જરૂરી છે. જો ન્યૂઝીલેન્ડ તેનો મુકાબલો હારી જાય અને પાકિસ્તાન તેની મેચ જીતી જાય તો તે આસાનીથી સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે. આ સિવાય અફઘાનિસ્તાન પણ તેની બન્ને મેચમાં હારી જાય તેવી પણ આશા રાખવી પડે. ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેના મુકાબલામાં વરસાદની સંભાવના છે. જો વરસાદના કારણે મેચ રદ થાય તો ન્યૂઝીલેન્ડને 1 જ પોઇન્ટ મળે અને તેના 9 પોઇન્ટ થાય. બીજી તરફ પાકિસ્તાન જીત સાથે 10 પોઇન્ટ મેળવી સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : એન્જલો મેથ્યુસ ટાઇમ આઉટ થયો, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રથમ વખત બની ઘટના
ન્યૂઝીલેન્ડ – 8 મેચ, 8 પોઇન્ટ
ન્યૂઝીલેન્ડના હાલ 8 મેચમાં 4 જીત સાથે 8 પોઇન્ટ છે. હવે તે એક મેચ 9 નવેમ્બરે શ્રીલંકા સામે રમવાનું છે. જો તે શ્રીલંકા સામે વિજય મેળવી લે તો 10 પોઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે. કારણ કે તેની રનરેટ પાકિસ્તાન કરતા ઘણી સારી છે. જોકે તેણે આશા રાખવી પડે કે પાકિસ્તાન ઇંગ્લેન્ડ સામે મોટા માર્જિનથી જીત ના મેળવે. આ સિવાય અફઘાનિસ્તાન પણ તેની બન્ને મેચમાં હારી જાય તેવી પણ આશા રાખવી પડે. જો અફઘાનિસ્તાન બન્ને મેચમાં જીત મેળવે તો 12 પોઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે. આ સિવાય ન્યૂઝીલેન્ડે વરસાદ સામે પણ ઝઝુમવું પડશે. પાકિસ્તાન સામે વરસાદે તેની બાજી બગાડી હતી. 9 નવેમ્બરે શ્રીલંકા સામેની મેચમાં પણ વરસાદની આગાહી છે. જો વરસાદના કારણે મેચ રદ થા તો તેને 1 પોઇન્ટથી જ સંતોષ માનવો પડી શકે છે.





