World Cup 2023 : વન ડે વર્લ્ડકપ 2019 ઇંગ્લેન્ડમાં યોજાયો હતો અને તે સમયે ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ એવી બેટીંગ કરી હતી કે બધા જોતા જ રહ્યા હતા. રોહિત શર્મા વર્લ્ડ કપની 12મી સિઝનમાં 5 સદી સાથે સૌથી વધારે રન ફટકારનાર પ્લેયર રહ્યો હતો. જો આ વખતે ફરી તેનું બેટ ભારતની ભૂમિ પર ચાલશે તો ભારતને ત્રીજી વખત ચેમ્પિયન બનતા ભાગ્યે જ કોઈ અટકાવી શકશે.
વર્લ્ડ કપ પહેલા જ રોહિત શર્મા શાનદાર લયમાં છે અને આશા રાખવામાં આવી રહી છે કે તે આમ કરવામાં ચોકક્સ સફળ થશે. રોહિત શર્મા વર્લ્ડ કપની પ્રથમ બે ઇનિંગ્સમાં 22 રન બનાવી લેશે તો ઇતિહાસ રચી દેશે. આ કોઇ મોટો સ્કોર નથી અને આ સ્કોર બનાવવામાં તે અવશ્ય સફળ રહેશે.
રોહિતને વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે 22 રનની જરુર
રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે, જ્યારે ટીમ ઈન્ડિયાને 11 ઓક્ટોબરે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે બીજી મેચ રમવાની છે. જો રોહિત શર્મા આ બંને મેચની બે ઈનિંગમાં 22 રન ફટકારી દે તો તે વન ડે વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી ઝડપી 1000 રન ફટકારનારો બેટ્સમેન બની જશે અને ઈતિહાસ રચી દેશે.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : સચિન તેંડુલકરના નામે સૌથી વધારે રન, ગ્લેન મેકગ્રાના નામે સૌથી વધારે વિકેટ, જાણો રસપ્રદ વાતો
વન-ડે વર્લ્ડ કપમાં રોહિત શર્માનું પ્રદર્શન
રોહિત શર્મા 2015માં ભારત માટે પ્રથમ વર્લ્ડ કપ રમ્યો હતો, પરંતુ ત્યારે તે ખાસ સફળ રહ્યો ન હતો. પરંતુ તે પછી વર્ષ 2019માં તેણે પોતાની બેટિંગથી કમાલ કરી હતી. હિટમેન રોહિત શર્મા વન-ડે વર્લ્ડ કપની છેલ્લી બે સિઝનમાં કુલ 17 મેચ રમ્યો છે અને જેમાં 17 ઇનિંગ્સમાં તેણે 65.20ની એવરેજથી 978 રન નોંધાવ્યા છે.
વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 1000 રનનો રેકોર્ડ સચિન તેંડુલકર અને દક્ષિણ આફ્રિકાના ડી વિલિયર્સના નામે છે. બન્નેએ 20-20 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. રોહિત શર્માએ 17 ઇનિંગ્સમાં 6 સદી અને 3 અડધી સદી ફટકારી છે અને તેનો શ્રેષ્ઠ સ્કોર 140 રન છે જે તેણે પાકિસ્તાન સામે બનાવ્યા હતા. વર્લ્ડ કપમાં રોહિત શર્મા એક વખત ઝીરો પર આઉટ થયો છે અને તે બે વખત અણનમ રહ્યો છે. તેણે 100 ચોગ્ગા અને 23 સિક્સર ફટકારી છે.