World Cup 2023 : વન ડે વર્લ્ડકપ 2023નો પ્રારંભ 5 ઓક્ટોબરથી થશે અને તે પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વન ડે શ્રેણી રમ્યું હતું. આ સિરીઝમાં ભારતીય ટીમે 2-1થી જીત મેળવી હતી અને કેએલ રાહુલની કેપ્ટનશિપમાં પહેલી બે મેચ જીત્યા બાદ રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમનો 66 રનથી પરાજય થયો હતો.
વર્લ્ડ કપ પહેલા જ આ હાર બાદ ભારતીય ટીમ પોતાની ખામીને દૂર કરવાનો પ્રયાસ જરૂર કરશે, પરંતુ ટીમ ઈન્ડિયા માટે સૌથી સારી વાત એ છે કે ટીમના બેટ્સમેન લયમાં દેખાઈ રહ્યા છે. કેપ્ટન રોહિત શર્મા પણ સતત સારો દેખાવ કરી રહ્યો છે. કાંગારુ ટીમ સામેની છેલ્લી વન-ડેમાં રોહિત શર્મા સદી ચૂકી ગયો હતો પરંતુ તેણે 81 રનની સારી ઇનિંગ્સ રમી હતી. આ ઈનિંગ્સ દરમિયાન રોહિતના બેટમાંથી 6 સિક્સર અને 5 ફોર જોવા મળી હતી. આ છગ્ગાની મદદથી રોહિત શર્મા હવે આ વર્ષે એટલે કે 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર પ્લેયર બની ગયો છે.
રોહિત અને શુભમન ગિલ વચ્ચે જંગ યથાવત
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે વન-ડે દરમિયાન શુભમન ગિલે આ વર્ષે સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે રોહિત શર્માને પાછળ છોડી દીધો હતો. પરંતુ ત્રીજી વન-ડેમાં રોહિત શર્માએ વાપસી કરી હતી અને 6 છગ્ગા ફટકારીને શુભમન ગિલને પાછળ રાખી દીધો હતો. વર્ષ 2023માં બંને વચ્ચે સૌથી વધુ છગ્ગા ફટકારવાની સ્પર્ધા છે અને આખરે કોણ કોને પાછળ છોડી જશે તે જોવું રસપ્રદ બની રહેશે. આ વર્ષે અત્યાર સુધીમાં રોહિત શર્માએ 26 ઇનિંગ્સમાં કુલ 49 જ્યારે ગિલે 39 ઇનિંગ્સમાં 46 સિક્સર ફટકારી છે.
એક વર્ષમાં ભારત માટે સૌથી વધુ સિક્સર ફટકારનાર પ્લેયર
78 – રોહિત શર્મા (2019)74 – રોહિત શર્મા (2018)74 – સૂર્યકુમાર યાદવ (2022)65 – રોહિત શર્મા (2017)51 – સચિન તેંડુલકર (1998)49 – રોહિત શર્મા (2023)47 – યુવરાજ સિંહ (2007)46 – શુભમન ગિલ (2023)46 – રોહિત શર્મા (2016)45 – રોહિત શર્મા (2022)
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : ડેલ સ્ટેને પસંદ કરી ફાઇનલમાં પહોંચનારી બે ટીમ, જાણો ભારત સિવાય બીજી ટીમ કોણ?
પ્રથમ 10 ઓવરમાં ભારત માટે વન-ડેમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા પ્લેયર્સ
89 – રોહિત શર્મા43 – વીરેન્દ્ર સેહવાગ24 – શિખર ધવન12 – સચિન તેંડુલકર12 – શુભમન ગિલ11 – વિરાટ કોહલી11 – સૌરવ ગાંગુલી
રોહિતે 31મી વખત એક ઈનિંગ્સમાં 5 કે તેથી વધુ સિક્સર ફટકારી
રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચમાં 6 સિક્સર ફટકારી હતી. આ તેની ક્રિકેટ કારકિર્દીમાં 31મી વખત એવું બન્યું હતું જ્યારે તેણે ભારત માટે એક ઈનિંગ્સમાં 5 કે તેથી વધુ સિક્સર ફટકારી છે. વિરેન્દ્ર સહેવાગે પોતાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન 10 વખત આવી સિદ્ધિ મેળવી હતી.
એક ઇનિંગ્સમાં 5 કે તેથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
31 વખત – રોહિત શર્મા10 વખત – વીરેન્દ્ર સેહવાગ9 વખત – યુવરાજ સિંહ8 વખત – એમએસ ધોની8 વખત – સચિન તેંડુલકર8 વખત – વિરાટ કોહલી8 વખત – સૂર્યકુમાર યાદવ