World Cup 2023 : અજીત અગરકરની આગેવાની હેઠળની વરિષ્ઠ પસંદગી સમિતિ વર્લ્ડ કપમાં ભારત-અફઘાનિસ્તાન મેચ બાદ બેઠક કરી શકે છે. આ સમય દરમિયાન શુભમન ગિલ આગળ વર્લ્ડ કપમાં ટીમનો ભાગ રહેશે કે નહીં તે નક્કી કરવામાં આવશે. ગિલ ડેન્ગ્યુથી પીડિત છે. તે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ પણ રમ્યો ન હતો. તે અફઘાનિસ્તાન સામેની મેચ પણ નહીં રમે. તે ચેન્નાઈમાં છે. પ્લેટલેટ્સ ઓછા થવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચમાં પણ રમી શકશે નહીં.
ઈન્ડિયન એક્સપ્રેસને મળેલી માહિતી મુજબ શુભમન ગિલને સાજા થવામાં એક અઠવાડિયાથી વધુ સમય લાગશે. પસંદગી સમિતિ ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા તૈયાર છે કે કોઈ બદલીની જરૂર છે કે કેમ. જો આવું થશે તો યશસ્વી જયસ્વાલ અથવા ઋતુરાજ ગાયકવાડ કવર તરીકે ટીમમાં જોડાઈ શકે છે.
થાકની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
ભારત વિ ઓસ્ટ્રેલિયા મેચના થોડા દિવસો પહેલા ધ ઈન્ડિયન એક્સપ્રેસે ગિલ ડેન્ગ્યુથી પીડિત હોવાના અહેવાલ આપ્યા હતા. સોમવારે જ્યારે ભારતીય ટીમ અફઘાનિસ્તાનનો સામનો કરવા દિલ્હી જઈ રહી હતી ત્યારે ગિલ શહેરમાં જ રોકાયો હતો. ઈન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું હતું કે તેને ગંભીર થાકની ફરિયાદ બાદ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ડેન્ગ્યુ અને થાકમાંથી સાજા થવામાં ત્રણ અઠવાડિયા લાગે છે
શુભમન ગિલ રાતભર હોસ્પિટલમાં રહ્યો અને વધુ તપાસ કર્યા બાદ સવારે હોટલ ગયો હતો. જાણવા મળ્યું છે કે ડોક્ટરોએ તેને 48 કલાક આરામ કરવાની સલાહ આપી છે. ગુરૂવારે તેની ફરીથી તપાસ કરવામાં આવશે. સામાન્ય સંજોગોમાં, કોઈપણ દર્દીને ડેન્ગ્યુ અને થાકમાંથી સાજા થવામાં ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા લાગે છે.
શુભમન ગિલનું શાનદાર પ્રદર્શન
BCCIએ પોતાની પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે શુભમન ગિલ 9 તારીખે ટીમ સાથે દિલ્હી નહીં જાય. બોર્ડે કહ્યું હતું કે તે ચેન્નાઈમાં જ રહેશે અને મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે. શુભમન ગિલે હાલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 890 રન સાથે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. એશિયા કપમાં 302 રન સાથે બેટિંગ ચાર્ટમાં ટોચ પર રહ્યો હતો. છેલ્લી કેટલીક ઇનિંગ્સમાં તેનો સ્કોર 104, 74, 27 , 121, 19, 58 અને 67 રહ્યો છે.





