World Cup 2023 : વર્લ્ડ કપ 2023માં બીજો અપસેટ સર્જાયો છે. નેધરલેન્ડ્સે દક્ષિણ આફ્રિકા સામે 38 રને વિજય મેળવ્યો છે. આ પહેલા અફઘાનિસ્તાને વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જ્યો હતો. સ્કોટ એડવર્ડ્સના અણનમ 78 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી નેધરલેન્ડ્સે દક્ષિણ આફ્રિકા સામે 38 રને વિજય મેળવ્યો છે. નેધરલેન્ડ્સે 43 ઓવરમાં 8 વિકેટે 245 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 42.5 ઓવરમાં 207 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ધર્મશાળામાં રમાયેલી સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ્સની મેચ વરસાદના કારણે લેટ શરુ થઇ હતી. વરસાદના કારણે 43-43 ઓવરની મેચ કરવામાં આવી હતી.
દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે 43 અને કેશવ મહારાજે 40 રન બનાવ્યા હતા. નેધરલેન્ડ્સ તરફથી લોગન વાન બીકે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકાનો પ્રથમ પરાજય થયો છે. નેધરલેન્ડ્સના સ્કોટ એડવર્ડ્સને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે. તેણે 69 બોલમાં 10 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 78 રન બનાવ્યા હતા અને 3 કેચ કર્યા હતા.
હેનરિચ ક્લાસેને શાનદાર કેચ પકડ્યો
સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શાનદાર ફોર્મમાં ચાલી રહેલી પ્રોટીઝ ટીમને 7મી ઓવરમાં પહેલી સફળતા મળી હતી. હેનરિચ ક્લાસેને કાગિસો રબાડાના બોલ પર વિક્રમજીતનો શાનદાર કેચ પકડ્યો હતો.
ટેમ્બા બાવુમાએ સાતમી ઓવરમાં બોલિંગમાં પ્રથમ ફેરફાર કર્યો હતો. કાગિસો રબાડા બોલિંગ પર પર આવ્યો હતો અને તેણે પહેલા જ બોલ પર વિકેટ લીધી હતી. વન-ડેમાં આ તેની 150મી વિકેટ હતી. રબાડાએ બેક ઓફ ધ લેન્થ બોલ નાખ્યો હતો. તેને વધારાનો બાઉન્સ મળ્યો હતો. વિક્રમજીત સિંહે ઉતાવળમાં પુલ શોટ રમ્યો હતો.
બોલ બેટને અડીને પાછળ તરફ ગયો હતો. સ્લિપમાં ઉભેલા હેનરિચ ક્લાસેને પાછળ દોડીને શાનદાર કેચ પકડ્યો હતો. ધર્મશાળાના આઉટફિલ્ડ પર સવાલ ઉઠી રહ્યા છે. ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવાનો ડર લાગી રહ્યો છે. આમ છતા ક્લાસેન ડાઈવ લગાવતા ખચકાયો ન હતો.