India vs West Indies T-20 Match : વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી-20 મેચમાં મેચ વિનિંગ્સ ઇનિંગ્સ રમનાર સૂર્યકુમાર યાદવે પ્રથમ વખત વર્લ્ડ કપ માટે પોતાની પસંદગી પર પ્રતિક્રિયા આપી છે. મંગળવારે મેચ પુરી થયા પછી મીડિયા સાથે વાત કરતા સૂર્યકુમાર યાદવે કહ્યું કે હું જાણું છું કે વન-ડે ફોર્મેટમાં મારા નંબર સારા નથી અને મને તેનો સ્વીકાર કરવામાં કોઇ શરમ નથી. મારા માટે ઇમાનદાર હોવું ઘણું જરૂરી છે.
મારા પ્રદર્શન વિશે ટીમને ખબર છે – સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવે કહ્યું કે વન-ડેમાં મારા પ્રદર્શન વિશે બધાને ખબર છે અને હું તેને લઇને ઘણો ઇમાનદાર છું પણ ટીમ મેનેજમેન્ટે મને આ ફોર્મેટ વિશે જે જણાવ્યું છે તે જ હું લાગુ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. સૂર્યકુમારે કહ્યું કે રોહિત અને રાહુલ ભાઇએ મને કહ્યું કે હું આ ફોર્મેટમાં થોડો ટાઇમ લઉ અને પછી ટીમની જે અપેક્ષા છે તેના હિસાબે રમું અને અંતમાં પોતાના આગવા અંદાજમાં રમું.
સૂર્યકુમારે આગળ કહ્યું કે રોહિત અને રાહુલ સરે મને કહ્યું કે તમે વન-ડે ફોર્મેટમાં વધારે રમ્યો નથી તેથી તારે તેની પ્રેક્ટિસ કરવી પડશે. આ ફોર્મેટમાં વધારેને વધારે રમવું પડશે જેથી સમજી શકું કે મારે શું કરવાનું છે. સૂર્યકુમારે કહ્યું કે ટીમ મેનેજમેન્ટે મને એ સાઇન આપ્યો છે કે તારે અંતિમ 45-50 બોલ રમવાના છે અને તે તમારા ઉપર છે કે તમે આ સમયે કેવી બેટિંગ કરો છો. ટીમ મેનેજમેન્ટે જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે હવે મારા હાથમાં છે કે હું આ જવાબદારીને અવસરમાં કેવી રીતે ફેરવું.
આ પણ વાંચો – ત્રીજી ટી-20 : સૂર્યકુમાર યાદવના આક્રમક 83 રન, ભારતનો 7 વિકેટે વિજય, શ્રેણી જીવંત રાખી
2023માં સૂર્યકુમારે 14ની એવરેજથી બનાવ્યા રન
સૂર્યકુમાર યાદવે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી-20માં 44 બોલમાં 83 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. તેની આ ઇનિંગ્સ પછી ફરીથી દાવો કરવામાં આવ્યો છે કે તે વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાનો સભ્ય રહેશે. જોકે વન-ડેમાં તેના આંકડા એટલા સારા નથી. 2023માં સૂર્યકુમાર યાદવ 10 વન-ડે મેચ રમ્યો છે, જેમાં તેણે ફક્ત 14ની એવરેજથી રન બનાવ્યા છે. આમ છતા તેને સતત તકો મળી રહી છે. સૂર્યકુમારની વાતથી સ્પષ્ટ છે કે ટીમ મેનેજમેન્ટ તેને આગળ પણ ટીમમાં યથાવત્ રાખવાનો વિચાર કર્યો છે.