Ind vs Ban: બાંગ્લાદેશ સામેની વન ડે વર્લ્ડકપ 2023ની લીગ મેચમાં ક્રિકેટ ચાહકોને એક એવી ક્ષણ જોવા મળી હતી જે સામાન્ય રીતે જોવા મળતી નથી. આ મેચમાં વિરાટ કોહલીને કેપ્ટન રોહિત શર્માએ બોલિંગ કરવા માટે બોલ સોંપતા બધાને આશ્ચર્ય થયું હતું. રોહિત શર્માએ આ નિર્ણય ત્યારે લીધો જ્યારે હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થઈને ઈનિંગ્સની 9મી ઓવરમાં ત્રણ બોલ ફેંકીને મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. આ પછી વિરાટ કોહલીએ હાર્દિકની ઓવર પૂરી કરવા માટે આ ઓવરના ત્રણ બોલ ફેંકી દીધા હતા અને ત્યારબાદ નવમી ઓવર પૂરી થઈ હતી.
વિરાટ કોહલીએ 6 વર્ષ બાદ વન ડેમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો. વિરાટ કોહલીએ આ પહેલા 31 ઓગસ્ટ, 2017ના રોજ કોલંબોમાં શ્રીલંકા સામે વન ડે ફોર્મેટમાં બોલિંગ કરી હતી. તે સમયે તેણે 2 ઓવરમાં 12 રન આપ્યા હતા અને તેને એક પણ વિકેટ મળી ન હતી. તેને બોલિંગ માટે લાંબી રાહ જોવી પડી અને આખરે રોહિત શર્માએ તેને આ તક આપી હતી. બાંગ્લાદેશ સામેની આ મેચમાં વિરાટ કોહલીએ ત્રણ બોલ ફેંકીને માત્ર 2 રન આપ્યા હતા.
આ પણ વાંચો – વન-ડે વર્લ્ડ કપના સૌથી મોટા અપસેટ, બે વખત ભારત પણ બન્યું છે શિકાર
આ ઓવરમાં વિરાટ કોહલીએ પહેલો બોલ લિટન દાસને ફેક્યો હતો, જેના પર કોઈ રન બન્યા ન હતા. બીજા બોલ પર લિટ્ટન દાસે એક રન લીધો હતો અને ત્યારબાદ ત્રીજા બોલ પર તન્ઝિદ હસને પણ એક રન લીધો હતો. આ રીતે વિરાટે ત્રણ બોલ ફેંકીને બે રન આપ્યા હતા.
હાર્દિક પંડ્યાની વાત કરીએ તો જ્યારે તેણે પોતાની ઓવરનો ત્રીજો બોલ લિટ્ટન દાસને ફેક્યો તો તેણે તે બોલ પર સ્ટ્રેટ શોટ રમ્યો હતો. હાર્દિક પંડ્યાએ પોતાના જમણા પગથી આ બોલને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન તે ડાબા પગમાં ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. આ પછી ફિઝિયો મેદાન પર આવ્યા હતા પણ હાર્દિક ફિટ જોવા મળ્યો ન હતો. આ પછી તેને પેવેલિયનમાં પાછો મોકલી દેવામાં આવ્યો હતો અને રોહિતે કોહલીને ઓવર પુરી કરવા કહ્યું હતું





