Virat Kohli ODI Century : વિરાટ કોહલીએ બર્થ ડે ના દિવસે ફટકારી સદી, સચિન તેંડુલકરની 49 સદીની બરાબરી કરી

Virat Kohli Century : વિરાટ કોહલીએ ઈડન ગાર્ડન્સના મેદાનમાં આ ખાસ સિદ્ધિ મેળવી હતી. આ મેદાન પર તેણે વન-ડે અને આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી

Written by Ashish Goyal
Updated : November 05, 2023 18:47 IST
Virat Kohli ODI Century : વિરાટ કોહલીએ બર્થ ડે ના દિવસે ફટકારી સદી, સચિન તેંડુલકરની 49 સદીની બરાબરી કરી
વિરાટ કોહલીએ બર્થ ડે ના દિવસે ફટકારી સદી (તસવીર - બીસીસીઆઈ)

વિરાટ કોહલી વિ. સચિન તેંડુલકર : વિરાટ કોહલીએ 5 નવેમ્બરે રવિવારે વન-ડે ક્રિકેટમાં પોતાની 49મી સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. સાઉથ આફ્રિકા સામેની વર્લ્ડ કપની મેચમાં પોતાના 35માં જન્મદિવસ પર તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની 49મી સદીની બરાબરી કરી હતી. કોહલીએ ઈડન ગાર્ડન્સના મેદાનમાં આ ખાસ સિદ્ધિ મેળવી હતી. આ મેદાન પર તેણે વન-ડે અને આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી.

સચિન તેંડુલકરે નવ વર્ષ પહેલા 2012માં વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી ત્યારે કોઇએ કલ્પના પણ કરી ન હતી કે સચિનના સદીના રેકોર્ડની કોઇ બરાબરી કરશે. પરંતુ વિરાટ કોહલીએ તે કરી બતાવ્યું છે. અત્યારે તેણે તેંડુલકરની બરાબરી કરી લીધી છે પરંતુ તે જે પ્રકારનું ફોર્મ ધરાવે છે તે જોતા આશા છે કે આ વર્લ્ડ કપમાં જ તે 50મી સદી ફટકારી સચિનનો રેકોર્ડ તોડશે.

તેંડુલકરે સાડા 17 વર્ષ, કોહલીએ 13 વર્ષ અને 11 મહિનાનો સમય લીધો

વિરાટ કોહલીએ 24 ડિસેમ્બર 2009ના રોજ શ્રીલંકા સામે વનડે ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. તેણે 5 નવેમ્બર 2023ના રોજ 49મી સદી ફટકારી છે. એટલે કે તેને 49 સદી ફટકારવામાં 13 વર્ષ અને 11 મહિનાનો સમય લાગ્યો હતો. સચિન તેંડુલકરે 9 સપ્ટેમ્બર 1994ના રોજ ઓસ્ટ્રેલિયા સામે પોતાની પ્રથમ સદી ફટકારી હતી. તેણે 16 માર્ચ 2022ના રોજ બાંગ્લાદેશ સામે 49મી સદી ફટકારી હતી. સચિનને 49 સદી ફટકારવામાં સાડા 17 વર્ષનો સમય લાગ્યો હતો.

આ પણ વાંચો – માત્ર ક્રિકેટમાં જ નહીં વિરાટ કોહલી ગ્લોબલ સ્ટાર, ઓલિમ્પિકથી લઈને ટેનિસમાં જોવા મળી ધાક

કોહલીએ 277 ઇનિંગ્સમાં 49 સદી ફટકારી

વિરાટ કોહલીનો કન્વર્ઝન રેટ સચિન તેંડુલકર કરતા ઘણો સારો છે. તેંડુલકરને વન ડેમાં 49 સદી ફટકારવામાં 451 ઈનિંગ્સ લાગી હતી. કોહલીએ 277 ઇનિંગ્સમાં 49મી સદી ફટકારી છે. કોહલી અને તેંડુલકર વચ્ચે 174 ઈનિંગ્સનું અંતર છે. કોહલીએ 70 અડધી સદી ફટકારી છે જ્યારે તેંડુલકરે 96 અડધી સદી ફટકારી છે. આ બતાવે છે કે કોહલીનો કન્વર્ઝન રેટ કેટલો સારો છે.

કોહલીએ નંબર 3 પર સૌથી વધુ સદી ફટકારી

કોહલીએ નંબર 3 પર સૌથી વધુ સદી ફટકારી છે. તેના નામે 3 નંબર પર 42 સદી છે. આ સિવાય તેણે નંબર 4 પર 7 સદી ફટકારી છે. તે જ સમયે તેંડુલકરે નંબર 2 પર બેટિંગ કરતા 43 સદી ફટકારી છે. તેના નામે 4 નંબર પર 4 સદી છે. નંબર 1 પર 2 સદી છે. કોહલીએ નંબર-1થી લઈને નંબર-4 સુધીની 275 ઈનિંગ્સમાંથી 266 ઈનિંગ્સ રમી છે. તેંડુલકરે નંબર-1થી નંબર-4 સુધીની 452 ઇનિંગ્સમાંથી 411 ઈનિંગ્સ રમી છે.

ચેઝ કરતી વખતે કોહલીનો મજબૂત રેકોર્ડ

વિરાટ કોહલીને ચેઝ માસ્ટર કેમ કહેવામાં આવે છે તેનો અંદાજ તેના રેકોર્ડ પરથી લગાવી શકાય છે. તેણે ચેઝ કરતી વખતે 49માંથી 27 સદી ફટકારી છે. વન-ડે ક્રિકેટમાં વિરાટ કોહલીનો સર્વોચ્ચ સ્કોર 183 રનનો છે. તેણે ચેઝ કરતી વખતે આ ઇનિંગ્સ પણ રમી હતી. તેણે આ ઈનિંગ્સ એશિયા કપ 2012માં રમી હતી. સચિન તેંડુલકરની તે છેલ્લી વન-ડે મેચ હતી. સચિન તેંડુલકરે ચેઝ કરતી વખતે 17 સદી ફટકારી છે. ચેઝ કરતા સચિનનો સર્વોચ્ચ સ્કોર 175 રન છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ