World Cup 2023 : ગુરુવારને 5 ઓક્ટોબરથી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે, પરંતુ તે પહેલા ટિકિટને લઈને ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. વર્લ્ડ કપની ટિકિટોની વધતી માંગને જોતા પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ હાથ ઊંચા કરી દીધા છે. વિરાટે બુધવારે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર પોતાના મિત્રો અને સંબંધીઓને એક મેસેજ જાહેર કર્યો હતો. જેમાં કોહલીએ કહ્યું હતું કે કોઇ પણ તેની પાસે ટિકિટની વ્યવસ્થા કરવામાં મદદ માંગશે નહીં, કારણ કે તે આમ નહીં કરી શકે. વિરાટની સાથે અનુષ્કા શર્માએ પણ વિનંતી કરી છે કે વિરાટ સાથે ટિકિટ માટે વાત કરવા માટે કોઇ તેમનો સંપર્ક ના કરે.
વિરાટ અને અનુષ્કાએ શું કહ્યું?
વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ કરેલા મેસેજમાં કહ્યું કે અમે વર્લ્ડ કપ રમવા જઈ રહ્યા છીએ. ત્યારે હું મને ઓળખતા મારા તમામ મિત્રોને વિનંતી કરું છું કે તેઓ મારી પાસે મેચોની ટિકિટ ન માંગે. તમે ઘરે બેસીની મેચની મજા માણો. વિરાટ કોહલીની આ અપીલ બાદ અનુષ્કાએ તેને પણ એક વિનંતી કરી છે. અનુષ્કાએ વિરાટના આ મેસેજનો સ્ક્રીનશોટ શેર કરીને કહ્યું કે હું તેમાં વધુ એક વાત ઉમેરું છું કે જો કોઇને મેસેજનો જવાબ ના મળે તો કોઇ મારી પાસે મદદની રિક્વેસ્ટ ન કરે. સમજવા બદલ આભાર.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : ત્રણ નવા નિયમોથી વધી જશે ટૂર્નામેન્ટનો રોમાંચ, 2019ના વિવાદિત નિયમને આઈસીસીએ ખતમ કર્યો
40 હજાર રૂપિયા સુધી વેચાઇ રહી છે ટિકિટ
ભારત 8 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ ચેન્નઈના ચેપોકમાં રમાશે. આ મેચ માટે બંને ટીમો ચેન્નઈ પહોંચી ગઈ છે. વર્લ્ડ કપની મેચોની ટિકિટોની વાત કરીએ તો ટિકિટનું વેચાણ શરૂ થઇ ગયું છે. ટિકિટના દરની વાત કરીએ તો ટિકિટ 499 રૂપિયાથી લઈને 40 હજાર રૂપિયા સુધી વેચાઈ રહી છે. અન્ય દેશોની મેચમાં સૌથી વધારે લગભગ 29 હજાર રૂપિયાની ટિકિટ વેચાઇ રહી છે. ભારત-પાકિસ્તાનની મેચ અને વર્લ્ડ કપની ફાઈનલની ટિકિટો અત્યારથી વેચાઈ ચૂકી છે.
વર્લ્ડ કપની ઓપનિંગ મેચ 5 ઓક્ટોબરે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને રનર્સ અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.





