World Cup 2023 : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાની ટીમના નિરાશાજનક પ્રદર્શનને લઈને પીસીબી પૂર્વ દિગ્ગજ ક્રિકેટરોના નિશાને છે. મંગળવારે ચીફ સિલેક્ટર ઇન્ઝમામ ઉલ હકના રાજીનામા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાન ક્રિકેટમાં બધું બરાબર ચાલી રહ્યું નથી. આ દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને ICCના ભૂતપૂર્વ પ્રમુખ ઝહીર અબ્બાસે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી ખેલાડીઓ પસંદના આધારે પસંદ કરવામાં આવશે ત્યાં સુધી પાકિસ્તાન ક્રિકેટને નુકસાન થતું રહેશે.
PCBની જવાબદારી ખેલાડીઓને મળવી જોઈએ – ઝહીર અબ્બાસ
ઝહીર અબ્બાસે PCB પર ભાઇ-ભત્રીજાવાદનો આરોપ લગાવ્યો છે. જિયો ન્યૂઝે ઝહીર અબ્બાસને ટાંકીને કહ્યું છે કે પાકિસ્તાની ટીમનું ક્રિકેટ ખૂબ જ ખરાબ છે અને તેનું કારણ એ છે કે ટોચ પર બેઠેલા લોકો ક્રિકેટને સમજી શકતા નથી. તેથી મારી સલાહ છે કે ક્રિકેટ ખેલાડીઓને આપી દો. ઝહીર અબ્બાસે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાની ટીમમાં પસંદના આધારે પસંદગી કરવામાં આવી રહી છે અને આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ટોચ પર બેઠેલા લોકો ક્રિકેટને સમજી શકતા નથી.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023માં આ ખેલાડીએ ફટકારી છે સૌથી વધારે અડધી સદી, નામ સાંભળીને ચોંકી જશો
શાહિદ આફ્રિદીએ ઝકા અશરફ પર કર્યો પ્રહાર
ઝહીર અબ્બાસના આ નિવેદન સિવાય પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શાહિદ આફ્રિદીએ પીસીબીના વર્તમાન અધ્યક્ષ ઝકા અશરફ પર પણ નિશાન સાધ્યું છે. શાહિદ આફ્રિદીએ કહ્યું છે કે ઝકા અશરફ કોઈ ક્લબ ચલાવી રહ્યા નથી પરંતુ તેઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રભારી છે. તેઓએ ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તમે મીડિયા હાઉસના માલિકોને ફોન કરી રહ્યા છે અને કહી રહ્યા છો કે કોઈ તમારા વિશે કંઈક કહી રહ્યું છે. તમારું કામ કરો. તમારી પાસેથી જે અપેક્ષા રાખવામાં આવે છે તે પૂર્ણ કરો.
પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર થવાની અણી પર છે
તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં આ બધો હંગામો વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાની ટીમના ખરાબ પ્રદર્શનને લઈને થઈ રહ્યો છે. પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપમાં સતત ચાર મેચ હારી ચૂકી છે અને ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની અણી પર છે. જોકે પાકિસ્તાને મંગળવારે બાંગ્લાદેશ સામે 7 વિકેટથી જીત નોંધાવીને તેની આશા જીવંત રાખી હતી પરંતુ સેમિ ફાઇનલનો રસ્તો એટલો સરળ નથી. પાકિસ્તાનની ટીમ ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન સામે હારી ગઈ હતી.





