T20 World Cup 2024 : રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત ટી 20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બન્યું છે. આ એક એવી મેચ હતી જેને હંમેશા યાદ રાખવામાં આવશે અને ખેલાડીઓનું યોગદાન ક્યારેય ભૂલાશે નહીં, પરંતુ આ મેચમાં ડેવિડ મિલરની બાઉન્ડ્રી પર સૂર્યકુમાર યાદવે પકડેલો કેચ અમર થઈ ગયો છે.
સૂર્યકુમારે આ કેચ માટે પોતાની જાન લગાવી દીધી હતી દીધું હતું અને મેચને પોતાના પક્ષમાં કરી દીધી હતી. આ પહેલા 2007માં એસ શ્રીસંતે અને 1983માં કપિલ દેવે આ પ્રકારના કેચ પકડ્યા હતા, જેના કારણે ભારતને જીત મળી હતી.
1983: કપિલ દેવે વિવ રિચર્ડ્સનો કેચ પકડી બાજી પલટાવી
કપિલ દેવની કેપ્ટન્સી હેઠળ ભારત 1983માં પ્રથમ વખત વન ડે વર્લ્ડ કપ ટાઈટલ જીત્યું હતું. ભારતે ફાઇનલ મેચમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું હતું. જોકે આ કેચે મેચની પરિસ્થિતિ બદલી દીધી હતી. 1983માં ભારતે વેસ્ટ ઈન્ડીઝને જીતવા માટે 184 રનનો ટાર્ગેટ આપ્યો હતો. એવું લાગતું હતું કે વેસ્ટ ઇન્ડીઝ આરામથી જીતી જશે. પરંતુ કપિલ દેવે વિન્ડીઝના સૌથી ખતરનાક બેટ્સમેન વિવ રિચર્ડ્સનો કેચ કરીને મેચની બાજી પલટી નાખી હતી.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2024 જીતનાર ટીમ ઇન્ડિયા માલામાલ, જાણો કઇ ટીમને કેટલા રૂપિયા મળશે
રિચર્ડસને મેદાનમાં આવતા જ ભારતીય બોલરોને પીટાઇ શરુ કરી દીધી હતી. પરંતુ મદન લાલના એક બોલ પર તે લેગ સાઇડમાં મોટો શોટ ફટકારવા માંગતા હતા, પરંતુ બોલ હવામાં જતો રહ્યો. કપિલ દેવે સ્ક્વેર લેગ પર પાછળની તરફ દોડતી વખતે તે કેચ પકડ્યો હતો અને આ મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો.
2007: શ્રીસંતે મિસ્બાહ-ઉલ-હકનો કેચ પકડ્યો હતો
ભારતે પ્રથમ ટી 20 વર્લ્ડ કપ ટાઈટલ 2007માં એમએસ ધોનીની કેપ્ટન્સીમાં જીત્યું હતું. ફાઇનલમાં ઈન્ડિયા પાકિસ્તાન સામે મેચ રમ્યું હતું. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી અને પાકિસ્તાનનો ખેલાડી મિસ્બાહ ઉલ હક પોતાના દમ પર મેચને જીત તરફ લઈ જઈ રહ્યો હતો. પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં જીતવા માટે 12 રનની જરુર હતી.
જોગિન્દર સિંહ છેલ્લી ઓવર ફેંકી રહ્યો હતો અને પ્રથમ બે બોલમાં 7 રન બનાવ્યા હતા. પાકિસ્તાનને જીતવા માટે 4 બોલમાં 6 રનની જરૂર હતી અને મિસબાહે જોગિન્દર શર્માના બોલ પર સ્કૂપ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એસ શ્રીસંતે શોર્ટ ફાઇન લેગ પર તેનો કેચ પકડ્યો હતો અને ભારત ચેમ્પિયન બન્યું હતું.
2024: સૂર્યકુમાર યાદવે પકડ્યો કમાલનો કેચ
સૂર્યકુમાર યાદવે ડેવિડ મિલરનો જે કેચ પકડ્યો હતો તેને જો વર્લ્ડ કપ ઈતિહાસનો શ્રેષ્ઠ કેચ કહેવામાં પણ ખોટું નથી. સાઉથ આફ્રિકાની ટીમ ફાઇનલમાં લગભગ જીતની સ્થિતિમાં હતી અને ડેવિડ મિલરે હાર્દિક પંડ્યાના બોલ પર એક શાનદાર શોટ ફટકાર્યો જે સિક્સર માટે જઇ રહ્યો હતો. પરંતુ સૂર્યકુમારે આ કેચ કરીને બાજી પલટાવી નાખી હતી.
જ્યારે સૂર્યકુમારને લાગ્યું કે તે બાઉન્ડ્રીની બહાર જશે ત્યારે તેણે બોલને હવામાં ઉછાળી દીધો હતો અને ત્યારબાદ બહાર આવીને બોલની પકડીને કેચ કર્યો હતો. મિલર આઉટ થતાં જ ભારતની જીત નિશ્ચિત બની ગઈ હતી અને તેનો કેચ ક્રિકેટ ઈતિહાસના શ્રેષ્ઠ કેચની યાદીમાં નોંધાઇ ગયો છે.