India Womens World Cup Champion 2025 : સુરતના ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ સાઉથ આફ્રિકાને હરાવીને વન ડે વર્લ્ડ કપ જીતનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ડાયમંડ જ્વેલરી અને સોલાર પેનલનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ગોવિંદ ધોળકિયા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સંસ્થાપક અને માનદ અધ્યક્ષ છે. બીજી તરફ મધ્ય પ્રદેશ સરકારે ભારતીય બોલર ક્રાંતિ ગૌડને મહિલા વર્લ્ડ કપ 2025માં તેના શાનદાર પ્રદર્શન બદલ 1 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી.
ગોવિંદ ધોળકિયાએ પત્ર લખ્યો
ગોવિંદ ધોળકિયાએ રવિવારે ફાઇનલ મેચ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને પત્ર લખીને ચેમ્પિયન ભારતીય ટીમના દરેક સભ્યને તેમની પ્રતિભા અને દ્રઢતાના પ્રશંસાના પ્રતીક તરીકે ‘હાથથી બનાવેલા કુદરતી હીરાના દાગીના’ ભેટ આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ગોવિંદ ધોળકિયાએ પણ તેમના ઘરો માટે છત પર સોલાર પેનલ્સ ભેટ આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ગોવિંદ ધોળકિયાએ પત્રમાં જણાવ્યું હતું કે આ મહિલાઓએ પોતાની હિંમત, શિસ્ત અને દૃઢ નિશ્ચયથી અબજો ભારતીયોના દિલ જીતી લીધા છે. તેમની અસાધારણ યાત્રાની ઉજવણી કરવા માટે, અમે રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK) ખાતે ચેમ્પિયન ભારતીય ટીમના દરેક સભ્યને હસ્તકલાવાળા નેચરલ ડાયમંડ જ્વેલરી ભેટમાં આપવાનું સન્માન અનુભવીશું – જે તેમની પ્રતિભા અને સ્થિતિસ્થાપકતા માટે પ્રશંસાનું પ્રતીક છે.
આ પણ વાંચો – પડદા પાછળનો હીરો, જે દેશ માટે ક્યારે રમી ન શક્યા, તેમણે ટીમને બનાવી વર્લ્ડ ચેમ્પિયન
આ સાથે અમે તેમના ઘરો માટે રૂફટોપ સોલર પેનલ્સ પણ ભેટમાં આપવા માંગીએ છીએ, જેથી તેઓ આપણા રાષ્ટ્રમાં જે પ્રકાશ લાવે છે તે તેમના પોતાના જીવનમાં પણ સતત ચમકતો રહે.
મધ્ય પ્રદેશના સીએમ ક્રાંતિ ગૌડ 1 કરોડ રુપિયા આપશે
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ભોપાલમાં પત્રકારોને જણાવ્યું હતું કે હું ગઈકાલે રાત્રે આપણા રાજ્ય અને દેશની દીકરીઓએ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું તેના માટે હું દરેકને અભિનંદન આપવા માંગુ છું. તેમણે કહ્યું કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે તેવી જ રીતે ભારતની દીકરીઓ પણ આગળ વધી રહી છે.
તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશની પુત્રી ક્રાંતિ ગૌડ પણ મહિલા વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતી. હું ક્રાંતિને અભિનંદન આપવા માંગુ છું અને રાજ્ય સરકાર તરફથી તેમને એક કરોડ રૂપિયાનુી પ્રોત્સાહન રાશી આપવા માગું છું. હું છતરપુરની બેટી ક્રાંતિને એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરું છું.





