World Test Championship Final: પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનો બાંગ્લાદેશ સામે 10 વિકેટથી શરમજનક પરાજય થયો હતો. આ ટેસ્ટ ઈતિહાસમાં બાંગ્લાદેશનાં હાથે પાકિસ્તાનનો આ પ્રથમ પરાજય છે. આ હાર બાદ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ઘણું નુકસાન થયું છે.
બાંગ્લાદેશ સામે થયેલા પરાજય પછી પણ આશા છે કે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઇનલ રમી શકે છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જો પાકિસ્તાનની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશે છે તો તેનો મુકાબલો કટ્ટર હરિફ ભારત સામે થઈ શકે છે.
આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારત હાલ નંબર વનના સ્થાને છે, જ્યારે પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશ સામે હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં 8માં ક્રમે સરકી ગઈ છે. ભારત સતત ત્રીજી વખત ડબલ્યુટીસીની ફાઈનલ રમશે તે નિશ્ચિત લાગી રહ્યું છે, પણ પાકિસ્તાનનો રસ્તો ખુબ જ મુશ્કેલ બની ગયો છે. પાકિસ્તાન હાલના ડબ્લ્યુટીસી ચક્રમાં અત્યાર સુધીમાં 6 ટેસ્ટ મેચ રમ્યું છે અને માત્ર બે જ જીતી શક્યું છે. પાકિસ્તાનની જીતની ટકાવારી માત્ર 30.56 છે.
પાકિસ્તાનને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ત્રીજા રાઉન્ડમાં હજુ આઠ ટેસ્ટ મેચ રમવાની છે અને તેને ફાઈનલમાં પ્રવેશવા માટે તમામ આઠેય મેચ જીતવી જરુરી છે. જોકે પાકિસ્તાન માટે આમ કરવું આસાન નહી રહે કારણ કે તેને વેસ્ટ ઈન્ડીઝ, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ જેવી મજબુત ટીમોના પડકારનો સામનો કરવો પડશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ – પોઇન્ટ ટેબલમાં ભારત ટોચના સ્થાને
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના લેટેસ્ટ પોઇન્ટ ટેબલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા હાલમાં અનુક્રમે પ્રથમ અને બીજા ક્રમે છે. ત્રીજા ચક્રમાં ભારતે 9માંથી 6માં વિજય મેળવ્યો છે, બે મેચમાં પરાજય થયો છે અને 1 મેચ ડ્રો રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ અત્યાર સુધીમાં 12માંથી 8 મેચ જીતી ચૂકી છે, 3માં પરાજય થયો છે અને 1 મેચ ડ્રો રહી છે. ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી 62.50 છે.
આ પણ વાંચો – રોહિત શર્માની થશે છુટ્ટી? મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સહિત આ ખેલાડીઓને કરી શકે છે રિટેન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હજુ નવેમ્બર 2024થી લઈને જાન્યુઆરી 2025 સુધી પાંચ ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાવાની બાકી છે. આ શ્રેણી બંને ટીમો માટે ડબ્લ્યુટીસી ફાઇનલમાં પહોંચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત છેલ્લી બે ડબલ્યુટીસી ફાઇનલ રમ્યું હતું. પ્રથમ ફાઇનલમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો હતો. જ્યારે બીજી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઇનલ મેચ આવતા વર્ષે રમાવાની છે અને પોઇન્ટ ટેબલની ટોપ-2 ટીમ ફાઇનલમાં રમશે.