WTC 2023-25 : ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ વરસાદના કારણે ડ્રો જાહેર થઇ હતી. ભારતીય ક્રિકેટ ટીમે શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં જીત મેળવી હતી. આમ ભારતે 1-0થી શ્રેણી જીતી છે. ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચમાં પણ જીત તરફ આગળ વધી રહી હતી પણ વરસાદે બાજી બગાડી હતી. ભારતે આપેલા 365 રનના પડકાર સામે વેસ્ટ ઇન્ડીઝે 2 વિકેટે 76 રન બનાવી લીધા હતા. અંતિમ દિવસે વેસ્ટ ઇન્ડીઝને જીત માટે 289 રનની જરૂર હતી અને ભારતને 8 વિકેટની જરૂર હતી. જોકે પાંચમાં દિવસે વરસાદે ભારતની બાજી બગાડી હતી.
બીજી ટેસ્ટ ડ્રો થતા ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઇન્ટ ટેબલમાં પણ નુકસાન થયું છે. ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને ખસકી ગઇ છે.
ભારતના પર્સેન્ટાઇલ 100થી ઘટીને 66.67 રહી ગયા
પ્રથમ નંબરે ભારતની પરંપરાગત હરિફ ટીમ પાકિસ્તાન પહોંચી ગઇ છે. વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટ ડ્રો થતા ભારતને 4 ડબલ્યુટીસી પોઇન્ટ જ મળ્યા હતા. આ રીતે બે મેચમાં કુલ 16 પોઇન્ટ થયા છે. જ્યારે ટીમના પર્સેન્ટાઇલ 110થી ઘટીને 66.67 રહી ગયા છે.
આ પણ વાંચો – અશ્વિને એકસાથે હરભજન સિંહ અને અનિલ કુંબલેનો મોટો રેકોર્ડ તોડ્યો
શ્રીલંકા સામે બીજી ટેસ્ટમાં પણ પાકિસ્તાન ડ્રાઇવિંગ સીટ પર
પાકિસ્તાનના એક મેચમાં 12 પોઇન્ટ છે. તેના પર્સેન્ટાઇલ 100 છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે બીજી ટેસ્ટમાં પણ ડ્રાઇવિંગ સીટ પર છે. કોલંબોમાં 24 જુલાઇથી શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને પ્રથમ ઇનિંગ્સમાં 166 રનમાં ઓલઆઉટ કરી દીધુ છે. આ પછી પ્રથમ દિવસના અંતે પાકિસ્તાને 2 વિકેટે 145 રન બનાવી લીધા છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અન્ય ટીમોની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા ત્રીજા, ઇંગ્લેન્ડ ચોથા અને વેસ્ટ ઇન્ડીઝ પાંચમા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી 4 મેચ રમ્યું છે. જેમાં બે મેચમાં જીત મેળવી છે અને એકમાં પરાજય થયો છે. તેના 26 પોઇન્ટ છે પણ પર્સેન્ટાઇલ 54.17 જ છે. ઇંગ્લેન્ડ 4 ટેસ્ટ મેચ રમ્યું છે. જેમાં ઇંગ્લેન્ડનો બે મેચમાં પરાજય થયો છે અને એકમાં જીત મેળવી છે. વરસાદના કારણે માન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટ ડ્રો રહી હતી. ઇંગ્લેન્ડના 14 પોઇન્ટ છે અને તેના પર્સેન્ટાઇલ 29.17 છે. વેસ્ટ ઇન્ડીઝના કુલ 4 પોઇન્ટ છે. તેના પર્સેન્ટાઇલ 16.67 છે.





