Wrestlers Protest : ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ બેટી પઢાઓ બેટી બચાઓ જેવા નારા આપનાર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. જંતર-મંતર પર ધરણા પર બેસનાર આ ખેલાડીનું કહેવું છે કે દેશમાં દીકરીઓ અને રમત-ગમત માટે ખૂબ જ ખરાબ સમય આવી ગયો છે. બુધવારે મોડી રાત્રે દિલ્હી પોલીસ સાથે થયેલી અથડામણ બાદ બજરંગે કહ્યું હતું કે તે સરકાર તરફથી કોઇ સન્માન જોઇતું નથી અને તે તેમને આપવામાં આવેલા એવોર્ડ પાછા લઇ લે.
23 એપ્રિલથી ધરણા પર છે રેસલર્સ
23 એપ્રિલથી દેશના સ્ટાર રેસલર્સ કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ સામે મોરચો ખોલીને બેઠા છે. તેમણે બ્રિજભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. બુધવારે રાત્રે આ પહેલવાનોની દિલ્હી પોલીસ સાથે ઝડપ થઇ હતી, આ દરમિયાન કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. બજરંગ પુનિયા આ ઘટના પછી ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા.
બજરંગે દેશવાસીઓને કરી અપીલ
બજરંગ પુનિયાએ દેશવાસીઓને જંતર-મંતર પર આવવાની અપીલ કરી છે. તેમણે એનડીટીવીને કહ્યું કે દેશ માટે મેડલ જીત્યા બાદ જો દીકરીઓ સાથે આવો ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તો તેનો કોઈ ફાયદો નથી. હું દેશવાસીઓને એકજૂથ થવાની અપીલ કરું છું, દીકરીઓ અને સ્પોર્ટ્સ માટે બહુ ખરાબ સમય આવી રહ્યો છે.
આ પણ વાંચો – “શું તમે બધા એટલા ડરો છો?”, શા માટે ટોચના ક્રિકેટરો અને અન્ય રમતવીરો ચૂપ છેઃ વિનેશ ફોગાટ
પોલીસ બ્રિજભૂષણને બચાવી રહી છે: બજરંગ પુનિયા
તેમણે વધુમાં કહ્યું કે જેમની સામે અમે એફઆઈઆર દાખલ કરી છે તેમની સામે કોઇ પગલા લેવામાં આવી રહ્યા નથી, ઉલટાનું તેઓ ખેલાડીઓને પરેશાન કરી રહ્યા છે. અમે અપરાધી છીએ કે તે. પોલીસનો એ પ્રોપેગેન્ડા છે કે કેવી રીતે આ ધરણાને ખાબ કરવા અને બ્રિજભૂષણને કેવી રીતે બચાવવો. પોલીસ તેમને બચાવવા માટે દરેક યુક્તિનો ઉપયોગ કરી રહી છે.
બજરંગ પુનિયા એવોર્ડ પરત કરવા માંગે છે
બજરંગે કહ્યું કે, તેઓ કોઇ રાજકીય પક્ષ સાથે નથી પરંતુ દેશની દીકરીઓ સાથે છે. હું સરકારને કહેવા માંગુ છું કે તેઓએ આપેલા પુરસ્કારો પાછા ખેંચી લે. મેડલ લાવીને આ સન્માન મળે છે. જ્યારે બહેન-દીકરીઓ સુરક્ષિત નથી, આપણે સુરક્ષિત નથી તો પછી શું ફાયદો, તેમણે આપેલા એવોર્ડ હું પરત કરી દઈશ, મારે આવું સન્માન નથી જોઈતું, શું આ દેશમાં કાયદા જેવી કોઈ વસ્તુ નથી?
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના બાદ અટકાયત કરાયેલા લોકોમાં આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય સોમનાથ ભારતી અને કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડ્ડાનો પણ સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક વીડિયોમાં વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને એવો આક્ષેપ કરતા સાંભળી શકાય છે કે પોલીસકર્મીઓ દારૂના નશામાં બે રેસલર્સની પીટાઇ કરતા હતા.