WTC Final: ભારતીય ટીમ પ્રથમ વખત ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે આતુર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી મુકાબલો શરૂ થશે. આ મેચમાં ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારા મહત્વની ભૂમિકા ભજવી શકે છે જે પોતાના ડિફેન્સ માટે જાણીતો છે. એકવાર તે સેટ થઇ ગયા પછી તેને આઉટ કરવો મુશ્કેલ છે. જોકે આ વખતે પૂજારાનો સામનો એ ખેલાડી સામે થવાનો છે જેણે થોડા દિવસો પહેલા પોતાના બોલથી આ લેજન્ડને ઘણો પરેશાન કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડ ઈજાના કારણે ફાઇનલમાંથી બહાર થઇ ગયો છે અને તેના સ્થાને માઈકલ નેસરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નેસર એ જ બોલર છે જેણે થોડા દિવસો પહેલા પૂજારાને પોતાનો શિકાર બનાવ્યો હતો. કાઉન્ટી ચેમ્પિયનશિપમાં જ્યારે બન્ને ટકરાયા હતા ત્યારે નેસર ભારે પડ્યો હતો.
આ પણ વાંચો – આ 5 ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરશે તો 10 વર્ષ બાદ ICC ટૂર્નામેન્ટમાં ભારત ચેમ્પિયન બનશે
માઇકલ નેસર પૂજારા પર પડ્યો હતો ભારે
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડની ઈજાના કારણે માઈકલ નેસરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ડબ્લ્યુટીસી ફાઇનલ પહેલા હેઝલવુડને તેની ફિટનેસ સાબિત કરવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. તેને આ મહત્વપૂર્ણ મેચ માટે ફિટ માનવામાં આવ્યો હતો. જોકે હેઝલવૂડે શનિવારે ટ્રેનિંગ દરમિયાન ત્રણ સ્પેલ ફેંક્યા હતા. જે તેની ફિટનેસ પ્રમાણે ન હતા. આ પછી તે બહાર થઇ ગયો હતો. નેસર એ જ બોલર છે જેણે થોડા દિવસ પહેલા પૂજારાને પોતાનો શિકાર બનાવ્યો હતો. કાઉન્ટી ચેમ્પિયનશિપમાં નેસરે પૂજારાને આઉટ કર્યો હતો.
માઇકલ નેસરથી સાવધ રહેવું પડશે
નેસર ગ્લામોર્ગન તરફથી રમે છે જ્યારે ચેતેશ્વર પૂજારા સસેક્સ તરફથી રમે છે. થોડા અઠવાડિયા પહેલા જ્યારે કાઉન્ટી મેચમાં આ ટીમો આમને-સામને આવી ત્યારે નેસેરે પૂજારા સામે બોલિંગ કરી હતી. નેસરની ઓવર મેઇડન રહી હતી અને અંતિમ બોલ પર પૂજારા તેના ઇનસ્વિંગર બોલ પર આઉટ થયો હતો. પૂજારાને નેસરના બોલ રમવામાં તકલીફ પડી રહી હતી. અત્યાર સુધી માઇકલ નેસર ઓસ્ટ્રેલિયા તરફથી 2 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. તેણે 2 ટેસ્ટમાં 16.71ની એવરેજથી 7 વિકેટ ઝડપી છે.





