WTC Final : આઇપીએલ 2023ની સમાપ્તિ બાદ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તરફ પરત ફરવાનો સમય આવી ગયો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી 11 જૂન દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ (WTC Final) રમાશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ ઇંગ્લેન્ડ પહોંચી ગયા છે. તે નેટ્સ પર પ્રેક્ટિસ કરી રહ્યા છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમમાં કેટલાક ખેલાડીઓ એવા પણ છે જેમણે આઈપીએલ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો આ ખેલાડીઓ ઓવલમાં આ રીતે પ્રદર્શન કરશે તો આઇસીસી ટ્રોફી 10 વર્ષ બાદ ભારતને મળશે.
ટીમ ઈન્ડિયાએ 2013માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્યાર પછી ટીમ ઇન્ડિયાએ આઈસીસી ટ્રોફી જીતી નથી. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ટીમ ઇંગ્લેન્ડમાં ચેમ્પિયન બની હતી. આઈપીએલ 2023માં ઓપનર શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે પોતપોતાની ટીમો માટે સારું પ્રદર્શન કર્યું હતું. જોકે ફોર્મેટ અલગ હશે, પરંતુ જો ફોર્મ સારું હોય તો ટી-20, વન-ડે અને ટેસ્ટમાં કોઈ ફરક પડતો નથી.
શુભમન ગિલ – ગુજરાત ટાઇટન્સ અને ટીમ ઇન્ડિયાના ઓપનરો માટે વર્ષ 2023 શાનદાર રહ્યું છે. આઇપીએલ 2023માં શુભમને 3 સદી ફટકારી હતી અને 890 રન સાથે ઓરેન્જ કેપ જીતી હતી. આ પહેલા તેણે ટેસ્ટ ક્રિકેટ, ટી-20 ક્રિકેટ અને વનડે ક્રિકેટમાં સદી ફટકારી હતી. ડબલ્યુટીસી ફાઇનલમાં તેનું ફોર્મ ટીમ ઇન્ડિયા માટે ઘણું મહત્વનું રહેશે.
વિરાટ કોહલી – વિરાટ કોહલીએ આઈપીએલ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે લીગ સ્ટેજમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની છેલ્લી બે મેચમાં સદી ફટકારી હતી. જોકે ટીમ પ્લેઓફમાં પહોંચી શકી ન હતી. તેણે 14 મેચમાં 639 રન બનાવ્યા હતા. આ અગાઉ તેણે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં છેલ્લી મેચમાં સદી ફટકારી હતી. વન-ડે ક્રિકેટમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.
આ પણ વાંચો – આઈપીએલનો સૌથી મોંઘો રન 1 કરોડ, 8 લાખ રૂપિયામાં પડ્યો, હેરી બ્રુકનો 1 રન 6 લાખ 97 હજારમાં પડ્યો
અજિંક્ય રહાણે – અજિંક્ય રહાણેએ આઈપીએલ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રહાણેએ 14 મેચમાં 32.60ની એવરેજ અને 172.49ની સ્ટ્રાઇક રેટથી 326 રન બનાવ્યા હતા. આ પહેલા તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. રહાણેએ મુંબઈ તરફથી 7 મેચની 11 ઇનિંગ્સમાં 57.63ની એવરેજથી 634 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 સદી અને 1 અડધી સદી ફટકારી હતી. આ પ્રદર્શનના કારણે તેની ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ હતી.
મોહમ્મદ શમી – જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ શમી ડબલ્યુટીસી ફાઇનલમાં પેસ એટેકનું નેતૃત્વ કરશે. શમીએ આઈપીએલ 2023માં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પર્પલ કેપ જીતી હતી. તેણે 17 મેચમાં 28 વિકેટ ઝડપી હતી.
મોહમ્મદ સિરાજ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી મોહમ્મદ સિરાજે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 14 મેચમાં 19 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડમાં સિરાજનું પ્રદર્શન ટીમ ઈન્ડિયા માટે ઘણું મહત્વનું રહેશે. તેણે ગત ઈંગ્લેન્ડ પ્રવાસમાં શાનદાર દેખાવ કર્યો હતો. જો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સારી બોલિંગ કરશે તો ઓસ્ટ્રેલિયાની હાલત વધુ કફોડી બનશે તે નક્કી છે.





