WTC Point Table : 26 ઓક્ટોબર 2024ના રોજ ક્રિકેટ જગતમાં એક સાથે બે મોટી ઘટનાઓ બની હતી. એક તરફ પાકિસ્તાને 3 મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને ટેસ્ટ શ્રેણી જીતી લીધી હતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડે 3 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ભારતને પરાજય આપ્યો હતો અને આ ટેસ્ટ શ્રેણીમાં 2-0થી અજેય લીડ બનાવીને ટેસ્ટ શ્રેણી જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડ સામે આ ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ હવે ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું પડકારજનક બની ગયું છે.
ભારત પહેલા નંબર પર યથાવત
ભારતના પરાજય અને પાકિસ્તાનની જીત બાદ વાત કરીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમોની સ્થિતિ શું છે તે વિશે વાત કરીએ. ભારતને ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટ મેચમાં સતત હાર મળી છે પરંતુ ભારત હજુ પણ નંબર વન પર યથાવત છે. ભારત અત્યાર સુધી રમાયેલી 13માંથી 8 મેચ જીત્યું છે, જ્યારે 4માં પરાજય થયો છે અને એક મેચ ડ્રો રહી હતી. ભારતની જીતની ટકાવારી હાલ 62.82 છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ હાલમાં ટેબલમાં ચોથા સ્થાને છે, જેણે 10 માંથી 5 મેચ જીતી છે અને 5 માં હારનો સામનો કરવો પડ્યો છે. આ ટીમની જીતની ટકાવારી 50.00 છે.
બે જીતથી પાકિસ્તાનને ફાયદો થયો
પાકિસ્તાને ઇંગ્લેન્ડ સામે સતત બે ટેસ્ટ મેચ જીતી છે અને હવે તે ટેબલમાં 7માં નંબર પર છે, જ્યારે ઇંગ્લેન્ડની ટીમ છઠ્ઠા સ્થાને છે. પાકિસ્તાનની ટીમ અત્યાર સુધી રમાયેલી 10માંથી 4 મેચ જીતી ચૂકી છે, જ્યારે 6માં તેનો પરાજય થયો છે અને આ ટીમની ટકાવારી 33.33 છે.
ઇંગ્લેન્ડની વાત કરીએ તો આ ટીમે 19માંથી 9 મેચમાં જીત મેળવી છે અને 9માં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે એક મેચ ડ્રો રહી છે. આ ટીમની જીતની ટકાવારી 40.79 છે. પોઇન્ટ ટેબલમાં બીજા નંબર પર ઑસ્ટ્રેલિયા, જ્યારે શ્રીલંકાની ટીમ ત્રીજા નંબર પર છે.