Yashasvi Jaiswal : ભારતના સ્ટાર ક્રિકેટર યશસ્વી જયસ્વાલે તેની કારકિર્દીને લઈને મોટો નિર્ણય લીધો છે. જયસ્વાલ પોતાની ટીમ બદલવા જઈ રહ્યો છે. મુંબઈ તરફથી હંમેશા ડોમેસ્ટીક ક્રિકેટ રમનારો જયસ્વાલ હવે બીજી ટીમનો ભાગ બનવા જઈ રહ્યો છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ જયસ્વાલ મુંબઈ છોડીને ગોવાનો કેપ્ટન બનવા માગે છે અને તેના માટે તેણે પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.
યશસ્વી જયસ્વાલ ગોવાનો કેપ્ટન બનશે
મુંબઈ ક્રિકેટ એસોસિએશનના સૂત્રએ ધ એક્સપ્રેસને જણાવ્યું હતું કે યશસ્વી જયસ્વાલે ગોવા જવા માટે અમારી પાસે નો ઓબેક્શન સર્ટિફિકેટ માંગ્યું છે. તેણે વ્યક્તિગત કારણો આપીને પરવાનગી માંગી છે. અગાઉ મુંબઈ તરફથી એજ ગ્રુપ ક્રિકેટ રમનારા અર્જુન તેંડુલકર અને સિદ્ધેશ લાડ પણ ગોવાની ટીમની સાથે જોડાઈ ચૂક્યા છે. જોકે બંનેને ટીમમાં સાતત્યપૂર્ણ તકો મળી રહી ન હતી અને વધારે તક મળે તે માટે આ નિર્ણય લીધો હતો. જ્યારે ઓપનર તરીકે જયસ્વાલ ટીમની પહેલી પસંદ છે. તે આગામી સિઝનમાં ગોવાના કેપ્ટન તરીકે જોવા મળશે.
જયસ્વાલે 2019માં મુંબઇ તરફથી ડેબ્યૂ કર્યું હતું
યશસ્વી જયસ્વાલે વર્ષ 2019માં મુંબઈ માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે છત્તીસગઢ સામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી ટી-20 અને લિસ્ટ એ ડેબ્યૂ માટે પણ તક હતી. તેણે મુંબઈ માટે વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારી છે. જયસ્વાલે આ ટીમના દમ પર અંડર-19 ટીમ, ત્યારબાદ આઇપીએલ અને છેલ્લે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ હવે બેટ્સમેન મુંબઈ છોડીને ગોવાનો ભાગ બનવા માંગે છે.
આ પણ વાંચો – કોણ છે અશ્વિની કુમાર? આઈપીએલ ડેબ્યૂમાં પ્રથમ બોલે જ ઝડપી વિકેટ, કેકેઆર સામે તરખાટ મચાવ્યો
યશસ્વી જયસ્વાલ હાલમાં આઇપીએલ 2025માં રમી રહ્યો છે. જોકે તેનું પ્રદર્શન સારું રહ્યું નથી. તે રાજસ્થાન રોયલ્સ માટે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી ચૂક્યો છે. આ ખેલાડીએ હૈદરાબાદ સામે માત્ર એક જ રન બનાવ્યો હતો. જયસ્વાલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 29 રન અને ચેન્નઈ સામે માત્ર 4 રન બનાવ્યા હતા.