Indian Cricket Team 2024 Test Match Report : ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને ત્યાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમી રહી છે. 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં બન્ને ટીમો 1-1થી બરાબરી પર છે. હવે 14 ડિસેમ્બરથી ત્રીજી અને 26 ડિસેમ્બરથી બોક્સિંગ ડે પર ચોથી ટેસ્ટ રમાશે. આ 2024ના વર્ષમાં ભારતની અંતિમ ટેસ્ટ રહેશે. 2024નું વર્ષ પુરું થવા જઇ રહ્યું છે અને 2025ના આગમનની તૈયારી છે. આ દરમિયાન અમે તમને જણાવી રહ્યા છીએ કે 2024માં ભારતીય ટીમનું ટેસ્ટ ક્રિકેટમાં કેવું પ્રદર્શન રહ્યું છે.
ભારત 2024માં કુલ 14 ટેસ્ટ રમ્યું, હજુ 2 ટેસ્ટ રમશે
ટીમ ઇન્ડિયા 2024ના વર્ષમાં કુલ 14 ટેસ્ટ મેચ રમ્યું છે. જેમાં 8 મેચમાં વિજય થયો છે. જ્યારે 6 મેચમાં પરાજય થયો છે. આ વખતે હજુ સુધી ભારતની એકપણ ટેસ્ટ ડ્રો થઇ નથી. આ વર્ષે હજુ ભારત 4 ટેસ્ટ રમશે. જે 14 ડિસેમ્બર અને 26 ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે રમાશે.
દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી રમી સિઝનનો પ્રારંભ કર્યો હતો
ભારતે 2024માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી રમી સિઝનની શરૂઆત કરી હતી. 3 જાન્યુઆરીથી રમાયેલી આ ટેસ્ટમાં ભારતનો 7 વિકેટે વિજય થયો હતો. આમ નવા વર્ષની શરૂઆત ભારતે વિજય સાથે કરી હતી. જોકે આ રહેલા ડિસેમ્બરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાનો વિજય થયો હતો. જેથી 2 ટેસ્ટની શ્રેણી 1-1થી બરાબરી પર રહી હતી.
ઇંગ્લેન્ડનો ભારત પ્રવાસ, 5 ટેસ્ટની શ્રેણીમાં ભારતનો 4-1થી વિજય
ઇંગ્લેન્ડની ટીમ પાંચ ટેસ્ટની શ્રેણી માટે ભારતના પ્રવાસે આવી હતી. 25 જાન્યુઆરીથી ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઇ હતી. 5 ટેસ્ટની શ્રેણીમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા 4-1થી શ્રેણી જીતી હતી. પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ વિજય મેળવી ભારતને આંચકો આપ્યો હતો. જોકે આ પછીની બાકી 4 ટેસ્ટમાં ભારતે વિજય મેળવી પોતાના ઘરઆંગણે દબદબો જાળવી રાખ્યો હતો. શ્રેણીમાં 712 રન ફટકારનાર યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો.
આ પણ વાંચો – ગુજરાતી મૂળના આ ક્રિકેટરે 9 કલાક અને 366 બોલ બેટિંગ કરી, છતા ન તુટ્યો આ એક રેકોર્ડ
બાંગ્લાદેશનો ભારત પ્રવાસ, ટીમ ઇન્ડિયાનો 2-0થી વિજય
સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. 2 ટેસ્ટની શ્રેણીમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશનો 2-0થી વ્હાઇટવોશ કર્યો હતો. પ્રથમ ટેસ્ટમાં ભારતે 280 રને વિજય મેળવ્યો હતો. જ્યારે બીજી ટેસ્ટમાં ભારતનો 7 વિકેટે વિજય થયો હતો. શ્રેણીમાં 114 રન અને 11 વિકેટ ઝડપનાર આર અશ્વિનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ, ન્યૂઝીલેન્ડનો 3-0થી વિજય
ઓક્ટોબરમાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. ન્યૂઝીલેન્ડે ભારતનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો. ભારતના ઘરઆંગણે આવા કારમા પરાજયની આશા કોઇને ન હતી. ભારત 12 વર્ષ પછી ઘરઆંગણે શ્રેણી હાર્યું હતું. ભારતને તેની ભૂમિ પર 4331 દિવસ બાદ ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડયો છે. ન્યૂઝીલેન્ડની ટીમ ભારતમાં પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતવા સફળ રહી હતી. પ્રથમ ટેસ્ટમાં 8 વિકેટથી, બીજી ટેસ્ટમાં 113 રનથી અને ત્રીજી ટેસ્ટમાં 25 રનથી ન્યૂઝીલેન્ડનો વિજય થયો હતો. શ્રેણીમાં 244 રન બનાવનાર વિલ યંગને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ, બોર્ડર ગાવસ્કર ટ્રોફી
ભારત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને 5 ટેસ્ટની શ્રેણી રમી રહ્યું છે. પાંચ મેચની ટેસ્ટ શ્રેણી હાલ 1-1થી બરાબરી પર છે. પ્રથમ ટેસ્ટમાં ભારતનો 295 રને વિજય થયો હતો. જ્યારે બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 10 વિકેટે વિજય થયો હતો. હવે ત્રીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી અને ચોથી ટેસ્ટ 26 ડિસેમ્બરથી રમાશે. ભારત આ વર્ષે હજુ 2 ટેસ્ટ રમશે.