Yograj Singh on MS Dhoni: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ફરી એકવાર મહેન્દ્રસિંહ ધોની પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે કેવી રીતે ધોનીએ તેના પુત્ર યુવરાજ સિંહની ક્રિકેટ કારકિર્દી બર્બાદ કરી નાખી. તેમણે કહ્યું કે તે ભારતના ભૂતપૂર્વ વિકેટકિપર બેટ્સમેન ધોનીને ક્યારેય માફ નહીં કરે કારણ કે તેમનો પુત્ર ટીમ માટે હજુ 5-6 વર્ષ સુધી રમી શક્યો હોત.
ધોનીને ક્યારેય માફ નહીં કરી શકું
યુવરાજના પિતા યોગરાજ સિંહ આ પહેલા પણ પોતાના દીકરાની ક્રિકેટ કરિયરમાં થયેલી ગિરાવટ માટે એમએસ ધોનીને જવાબદાર ગણાવી રહ્યા છે. આ વખતે પણ તેમણે ધોની પર પ્રહાર કર્યો છે. યોગરાજ સિંહે કહ્યું કે ધોનીએ અરીસામાં પોતાનો ચહેરો જોવો જોઈએ.
તેમણે કહ્યું કે ધોની આટલો મોટો ક્રિકેટર છે પરંતુ તેણે યુવરાજ સિંહ સાથે કંઇ સારું કર્યું નથી. જી સ્વિચ યુટ્યુબ સાથે વાત કરતા યોગરાજે કહ્યું કે હું એમએસ ધોનીને માફ નહીં કરું અને તેણે અરીસામાં પોતાનો ચહેરો જોવો જોઈએ. તે ખૂબ જ મોટો ક્રિકેટર છે, પરંતુ તેણે મારા પુત્ર વિરુદ્ધ જે પણ કર્યું છે તે હવે બહાર આવી રહ્યું છે, તેને જીવનમાં ક્યારેય માફ કરી શકાશે નહીં.
યુવરાજ સિંહને મળવો જોઇએ ‘ભારત રત્ન’
યોગરાજ સિંહે કહ્યું કે મેં મારા જીવનમાં ક્યારેય બે કામ કર્યા નથી, પ્રથમ તો જેણે મને અન્યાય કર્યો છે તેને મેં ક્યારેય માફ કર્યો નથી. બીજું મેં મારા જીવનમાં તેમને ક્યારેય ગળે લગાવ્યા નથી, પછી ભલે તે મારા પરિવારના સભ્યો હોય કે મારા બાળકો હોય.
યોગરાજ સિંહે વધુમાં જણાવ્યું હતું કે એમએસ ધોનીએ યુવરાજ સિંહનું જીવન બર્બાદ કરી નાખ્યું હતું. તેમણે કહ્યું કે ગૌતમ ગંભીર અને વીરેન્દ્ર સહેવાગ જેવા ખેલાડીઓ તેમના પુત્રને ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનો સૌથી મોટો મેચ વિનર માને છે.
આ પણ વાંચો – ટી 20 ક્રિકેટમાં સૌથી વધારે બાઉન્ડ્રી ફટકારનાર ટોપ 5 પ્લેયર્સ, જાણો રોહિત શર્મા અને વિરાટ કોહલી કયા સ્થાને
યોગરાજ સિંહે કહ્યું કે આ વ્યક્તિએ (એમએસ ધોની) મારા પુત્રનું જીવન બર્બાદ કરી નાખ્યું, જે ભારત માટે વધુ 4-5 વર્ષ રમી શક્યો હોત. હું બધાને પડકાર આપું છું કે યુવરાજ જેવા પુત્રને જન્મ આપે. ગૌતમ ગંભીર અને વિરેન્દ્ર સહેવાગ પણ આ પહેલા કહી ચૂક્યા છે કે ભારતમાં બીજો કોઈ યુવરાજ સિંહ નહીં હોય. યુવરાજને ભારત રત્નથી સન્માનિત કરવો જોઈએ કારણ કે કેન્સર સામે લડવા છતાં તે દેશ માટે રમ્યો હતો અને ટીમને વન-ડે વર્લ્ડ કપ વિજેતા (2011) બનાવી હતી.
યુવરાજ સિંહે 2000-2017 દરમિયાન 402 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 11,178 રન બનાવ્યા હતા. તેણે બધા ફોર્મેટમાં 17 સદી અને 71 અડધી સદી ફટકારી હતી.





