Pakistan vs Zimbabwe 3rd T20I : પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી 3 મેચોની ટી20 સીરીઝની છેલ્લી મેચમાં યજમાન ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને 2 વિકેટે હરાવ્યું હતું. ઝિમ્બાબ્વેએ ત્રીજી ટી-20 મેચમાં જીત મેળવી હોવા છતા 2-1થી શ્રેણી ગુમાવી છે. પાકિસ્તાને આ શ્રેણીની પ્રથમ બે મેચ જીતી હતી. આ જીત સાથે સિકંદર રઝાની કેપ્ટન્સી હેઠળની ઝિમ્બાબ્વેની ટીમે પાકિસ્તાનના હાથે વ્હાઇટવોશ ટાળ્યો છે.
ઝિમ્બાબ્વેનો 2 વિકેટે વિજય
આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો 20 ઓવરમાં 7 વિકેટે 132 રન બનાવ્યા હતા. વિજય માટેના 133 રનના ટાર્ગેટને ઝિમ્બાબ્વેએ 19.5 ઓવરમાં 8 વિકેટે 133 રન ફટકારીને મેળવી લીધો હતો અને જીત સાથે શ્રેણીનો અંત આણ્યો છે.
બ્રાયન બેનેટને તેની 43 રનની ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે પાકિસ્તાની બોલર સુફિયાન મુકિમને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. બ્રાયન બેનેટ સિવાય ઝિમ્બાબ્વે તરફથી સિકન્દર રઝાએ 19 રનની ઇનિંગ્સ રમી હતી. પાકિસ્તાન તરફથી અબ્બાસ આફ્રિદીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો – ગુરુના કાર્યક્રમમાં સચિન તેંડુલકરનો હાથ છોડવા માંગતો ન હતો વિનોદ કાંબલી, જુઓ દોસ્તીનો VIDEO
પાકિસ્તાનના 20 ઓવરમાં 132 રન
આ પહેલા પાકિસ્તાને ઝિમ્બાબ્વે સામેની ત્રીજી ટી-20માં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓમર યુસુફ (00), સાહેબઝાદા ફરહાન (4) અને ઉસ્માન ખાન (5) સસ્તામાં આઉટ થતા પાકિસ્તાને 19 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન સલમાન આગાએ 32, તાહિરે 21, કાસિમ અકરમે 20 અને અરાફત મિનહાસે અણનમ 22 રન બનાવતા પાકિસ્તાન 20 ઓવરમાં 132 રન બનાવી શક્યું હતું.
ઝિમ્બાબ્વે તરફથી મુઝારબાનીએ સૌથી વધારે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે મસાકદઝા, નગરાવા, મપોસો અને રેયાન બર્લે 1-1 વિકેટ ઝડપી હતી.