Highest T20 International Score Record : ઝિમ્બાબ્વેએ ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇતિહાસ રચતા હાઇએસ્ટ સ્કોર બનાવ્યો છે. ઝિમ્બાબ્વેએ આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ સબ-રિજનલ આફ્રિકા ક્વોલિફાયર ગ્રુપ બી ની મેચમાં ગામ્બિયા સામે 20 ઓવરમાં 4 વિકેટે 344 રન ફટકાર્યા હતા. પુરુષ ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ પણ ટીમનો આ સર્વોચ્ચ સ્કોર છે. આ મુકાબલો નૈરોબીના રુઆરાકા સ્પોર્ટ્સ ક્લબ મેદાન પર રમાઇ હતી. આ મેચમાં ઝિમ્બાબ્વેએ કુલ 27 સિક્સર ફટકારી હતી.
345 રનના પડકાર સામે ગામ્બિયાની ટીમ 14.4 ઓવરમાં ફક્ત 54 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. એટલે ટીમનો 290 રને પરાજય થયો હતો. ઝિમ્બાબ્વેએ ટી 20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી મોટી જીત નોંધાવી છે. તેણે નેપાળનો રેકોર્ડ તોડ્યો છે. નેપાળે 2023માં માંગોલિયા સામે 273 રને વિજય મેળવ્યો હતો.
ઝિમ્બાબ્વેએ નેપાળનો રેકોર્ડ તોડ્યો
આ પહેલા આ રેકોર્ડ નેપાળના નામે હતો. નેપાળે 27 સપ્ટેમ્બર 2023ના રોજ મોંગોલિયા સામે 20 ઓવરમાં 3 વિકેટે 314 રન કર્યા હતા. ટી-20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધી માત્ર નેપાળ અને ઝિમ્બાબ્વે જ 300 કે તેથી વધુ રન બનાવી શક્યા છે. ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી મોટો સ્કોર બનાવવાના મામલે ભારત ત્રીજા નંબર પર છે. ભારતે થોડા દિવસો પહેલા જ બાંગ્લાદેશ સામે 20 ઓવરમાં 6 વિકેટે 297 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો – આ ખેલાડીએ 103 બોલમાં સૌથી ફાસ્ટેસ્ટ બેવડી સદી ફટકારી, 27 ફોર, 7 સિક્સર ફટકારી
સિકંદર રઝાએ 43 બોલમાં 133 રન બનાવ્યા
ઝિમ્બાબ્વે માટે કેપ્ટન સિકંદર રઝાએ 33 બોલમાં સદી ફટકારી હતી. તે ઝિમ્બાબ્વે માટે ટી-20 ઇન્ટરનેશનલમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. આઇપીએલમાં પંજાબ કિંગ્સ તરફથી રમતા સિકંદર રઝાએ 20 બોલમાં પોતાની અડધી સદી પુરી કરી હતી. આનો અર્થ એ કે તે પછીના 50 રન સુધી પહોંચવા માટે માત્ર 13 બોલ રમ્યો હતો. સિકંદર રઝા 43 બોલમાં 7 ફોર અને 15 સિક્સરની મદદથી 133 રન બનાવીને અણનમ રહ્યો હતો.
સિકંદર રઝા ઉપરાંત વિકેટકિપર બેટ્સમેન તદીવાનાશે મરુમાનીએ 19 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 62, બ્રાયન બેનેટ 26 બોલમાં 50 અને ક્લાઇવ મદાન્ડેએ ગામ્બિયાના બોલરોને જોરદાર રીતે હંફાવ્યા હતા. તેના જોડીદાર ક્લાઇવ મદાંડેએ 17 બોલમાં 53 રન ફટકાર્યા હતા.