Afghanistan Army Attack On Pakistan : શુક્રવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને કેટલાક અન્ય સ્થળો પર એર સ્ટ્રાઇક કરી હતી. જવાબી કાર્યવાહીમાં અફઘાન સૈનિકોએ પણ પાકિસ્તાન પર આક્રમક હમલો કર્યો છે. આ કાર્યવાહીમાં 12 પાકિસ્તાની જવાન શહીદ થયા છે. અફઘાનિસ્તાનની 201 ખાલિદ બિન વલીદ આર્મી કોર્પ્સે શનિવારે મોડી રાત્રે નાંગરહાર અને કુનાર પ્રાંતમાં ડુરાન્ડ લાઇન નજીક પાકિસ્તાની સૈન્ય ચોકીઓને નિશાન બનાવ્યા હતા.
તાલિબાન સરકારે તોલો ન્યૂઝને જણાવ્યું છે કે, ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનની સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં પાકિસ્તાનના ઘણા ઠેકાણાં પર કબજો મેળવી લેવામાં આવ્યો છે. એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે કુનાર અને હેલમંદ પ્રાંતમાં અફઘાન સરહદ પર કેટલીક પાકિસ્તાની ચોકીઓ તોડી પાડવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ આમને સામનેની અથડામણમાં અફઘાન સેનાએ પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું છે. પાક સૈનિકોના હથિયારો પણ છીનવી લેવામાં આવ્યા છે. આ સમયે સૌથી વધુ તણાવ સ્પિના શાગા, ગીવી, મણિજભા અને અન્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે.
તાલિબાનના વિદેશ મંત્રી ભારત પ્રવાસ પર
તાલિબાન અને પાકિસ્તાની સૈનિકોની લડાઇ વર્ષો જુની છે, સરહદી વિસ્તારોમાં બંને દેશોના સૈનિકો વચ્ચે અથડાયમણ સામાન્ય ઘટના છે, પરંતુ આ વખતે તણાવ વધી ગયો જ્યારે તાલિબાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી ભારત પ્રવાસ પર આવ્યા છે. તેઓ સાત દિવસના ભારત પ્રવાસે આવ્યા છે, તેમણે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. હાલ મુત્તાકીના ભારત પ્રવાસ વિશે વિવાદ ઉભો થયો છે. એક પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારને પ્રવેશ ન અપાતા વિવાદ થયો છે.