Amazon preparing Lay offs : દિગ્ગજ ઇ કોમર્સ કંપની એમેઝોનના કર્મચારીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. એમેઝોન 30,000 કર્મચારીઓની છટણી કરશે, જે કંપનીના ઇતિહાસની સૌથી મોટી ઝટણી છે. સુત્રોના મતે કંપની ઓપરેટિંગ ખર્ચ ઘટાડવા માટે ફરીવાર હજારોની સંખ્યામાં કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવાની છે. આ છટણી 28 ઓક્ટોબર, 2025થી શરૂ થઇ રહી છે. હાલ એમેઝોનમાં કુલ 15.5 લાખ કર્મચારીઓ છે, જેમા કોર્પોરેટ કર્મચારી 3.5 લાખ જેટલા છે.
2022 પછી સૌથી મોટી છટણી
રોઇટર્સના એક રિપોર્ટ મુજબ છઠણી, 2022 બાદ એમેઝોન સૌથી મોટી છટણી કરવાની છે, તે સમયે 27000 કર્મચારીઓને નોકરીમાંથી તગેડી મુક્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, એમેઝોન ખર્ચમાં ઘટાડો અને મહામારી દરમિયાન વધેલી માંગ સમયે કરાયેલા વધારાના કર્મચારીઓની ભરતીની ભરપાઇ કરવાની દિશામાં કામગીરી કરી રહી છે.
આ બાબત સાથે સંકળાયેલા સુત્રોએ જણાવ્યું કે, કંપની છેલ્લા બે વર્ષથી સતત પોતાના ઘણા વિભાગો – જેવા કે ડિવાઇસીઝ, કોમ્યુનિકેશન, પોડકાસ્ટિંગ અને અન્ય વિભોગમાંથી છટણી કરી રહી છે.
આ સપ્તાહે શરૂ થનાર નવી છટણી એમેઝોનના ઘણા વિભાગોને પ્રભાવિત કરી શકે છે, જેમા હ્યુમન રિસોર્સેઝ, ડિવાઇસીઝ અને સર્વિસિસ ડિવિઝન સામેલ છે. સુત્રોના મતે પ્રભાવિત ટીમોના મેનેજરને સોમવારે એક ખાસ તાલીમ આપવા જણાવ્યું હતું, જેથી મંગળવારે સવારથી કર્મચારીઓને મોકલવામાં આવનાર ઇમેલ માહિતી બાદ તેની સાથે સારી રીતે સંવાદ કરી શકે.
અન્ય એક મીડિયા રિપોર્ટ મુજબ એમેઝોન કંપનીએ વર્ષ 2025ની શરૂઆતમાં 2.1 અબજ ડોલર થી 3.6 અબજ ડોલર વાર્ષિક બચત કરવાનો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના મહામારી દરમિયાન એમેઝોનના વર્કફોર્સમાં ઝડપી વધારો થયો અને કર્મચારીઓની સંખ્યા વર્ષ 2019માં 7,98,000 હતી તે વર્ષ 2021 અંત સુધી વધીને 1.6 મિલિયન કરતા વધુ થઇ ગઇ હતી. અલબત્ત કંપનીએ ત્યારથી કર્મચારીઓની છટણી કરવાની શરૂઆત કરી છે.





