/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Donald-trump-US-president.jpg)
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ ફોટો)
Illegal Immigration USA: અમેરિકામાં ગેરકાયદે રહેતા કે વિઝા ફ્રોડ કરનારા લોકોને યુએસ દૂતાવાસે કડક ચેતવણી આપી છે. ભારતમાં અમેરિકન દૂતાવાસે કહ્યું છે કે, જે પણ વ્યક્તિ અમેરિકાના કાયદાનો ભંગ કરશે તેને ગંભીર અપરાધિક કાર્યવાહીનો સામનો કરવો પડશે. યુએસ એમ્બેસી એ કહ્યું, "જે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં છે અથવા વિઝા ફ્રોડ કરે છે, તેમને જવાબદાર ઠેરવવામાં આવશે." ’
તમને જણાવી દઇયે કે, ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકી પ્રશાસન દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે સતત કડક કાર્યવાહી કરી રહ્યું છે.
અમેરિકન દૂતાવાસ તરફથી આ નિવેદન કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ઇમિગ્રેશન કાર્યવાહીના પગલે આવ્યું છે. ભારતમાં યુએસ દૂતાવાસે છેલ્લા કેટલાક દિવસોમાં વિઝા અને ઇમિગ્રેશનને લઇને અનેક ગાઇડલાઇન્સ જાહેર કરી છે.
યુએસ દૂતાવાસની ચેતવણી - દેશનિકાલ કરીશું
26 જૂને દૂતાવાસે કહ્યું હતું કે દસ્તાવેજ જારી થયા પછી પણ અમેરિકાના વિઝા માટે સ્ક્રીનિંગ બંધ થતું નથી. યુએસ દૂતાવાસે સોશિયલ મીડિયા X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "અમે વિઝા ધારકોની સતત તપાસ કરીએ છીએ જેથી ખાતરી કરી શકાય કે તેઓ અમેરિકાના તમામ કાયદાઓ અને ઇમિગ્રેશન નિયમોનું પાલન કરી રહ્યા છે, અને જો તેઓ તેમ નહીં કરે, તો અમે તેમના વિઝા રદ કરીશું અને તેમને દેશનિકાલ કરીશું." ’
અમેરિકાના દૂતાવાસે એમ પણ કહ્યું હતું કે જે લોકો કાયદાઓનું ઉલ્લંઘન કરે છે તેમને જેલની સજા અને દેશનિકાલનો સામનો કરવો પડશે.
લોસ એન્જલસમાં પરિસ્થિતિ વધુ વણસી
ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ્યારે યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઇસીઇ)એ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ લોસ એન્જલસમાં દરોડા પાડ્યા હતા ત્યારે તેની સામે જબરદસ્ત હિંસા થઇ હતી. અનેક મોટા શહેરોમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. માસ્ક પહેરેલા બદમાશોએ લોસ એન્જલસમાં અનેક સ્ટોર્સને નિશાન બનાવ્યા હતા.
ત્યારબાદ ટ્રમ્પે નેશનલ ગાર્ડને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો અને કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસોમે આનો વિરોધ કર્યો હતો.
આ ઉપરાંત યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)એ એમ પણ કહ્યું હતું કે આવા લોકો અમેરિકામાં રહી શકશે નહીં જે હિંસા અથવા આતંકવાદી પ્રવૃત્તિઓનું સમર્થન કરે છે અથવા અન્ય લોકોને આમ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us