નવજીવન ગોપાલ : ભાગેડુ અમૃતપાલ સિંહ નેપાળમાં સંતાયો હોવાના અહેવાલો વચ્ચે ભારતે પાડોશી દેશને વિનંતી કરી છે કે ખાલિસ્તાન સમર્થકને ત્રીજા દેશમાં ભાગી જવાની મંજૂરી ન આપે અને જો તે ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરીને ભાગી જવાનો પ્રયાસ કરે તો તેની ધરપકડ કરવામાં આવે. સોમવારે એક મીડિયા અહેવાલમાં આ વાત જણાવી હતી. ધ કાઠમંડુ પોસ્ટનો અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે અમૃતપાલની તેના સહયોગી પાપલપ્રીત સિંહ સાથેની એક નવી તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે.
18 માર્ચે પંજાબમાં અમૃતપાલ અને તેના સંગઠન વારિસ પંજાબ દે ના સદસ્યો સામે કાર્યવાહી શરૂ થયા પછી અમૃતપાલ ફરાર છે. હજુ સુધી તેની કોઇ ભાળ મળી નથી.
કાઠમંડુ પોસ્ટે અહેવાલ આપ્યો છે કે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે શનિવારે વાણિજ્ય દુતાવાસ સેવા વિભાગને એક પત્ર લખીને સરકારી એજન્સીઓને ભાગેડુ ઉપદેશકની ધરપકડ કરવા વિનંતી કરી હતી. અખબારે તેના દ્વારા મેળવેલા પત્રની નકલને ટાંકીને જણાવ્યું હતું કે અમૃતપાલ સિંહ હાલમાં નેપાળમાં છુપાયેલો છે. આદરણીય મંત્રાલયને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઇમિગ્રેશન વિભાગને જાણ કરે કે અમૃતપાલ સિંહને નેપાળમાંથી કોઈ ત્રીજા દેશમાં જવાની મંજૂરી ન આપે અને જો તે આ મિશનની સૂચના હેઠળ ભારતીય પાસપોર્ટ અથવા અન્ય કોઈ નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને નેપાળમાંથી ભાગી જવાનો પ્રયાસ કરે તો તેની ધરપકડ કરવામાં આવે.
અખબારે ઘણા સ્ત્રોતોનો હવાલો આપીને જણાવ્યું કે પત્ર અને અમૃતપાલ સિંહની અંગત વિગતો તમામ સંબંધિત એજન્સીઓને હોટલથી લઈને એરલાઈન્સ સુધી પહોંચાડવામાં આવી છે. તેની પાસે અલગ અલગ ઓળખ સાથે ઘણા પાસપોર્ટ હોવાનું કહેવાય છે. અન્ય એક અખબારે કહ્યું કે નેપાળના ગૃહ મંત્રાલયે તમામ સુરક્ષા એજન્સીઓને ભારતની સરહદે આવેલા વિસ્તારમાં હાઈ એલર્ટ પર રહેવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો – અમૃતપાલ સિંહ જે કારમાં ભાગ્યો તે પોલીસે જપ્ત કરી, ભગાડવામાં મદદ કરનાર ચાર આરોપીઓ પકડાયા
મંત્રાલયના સૂત્રોને ટાંકીને માય રિપબ્લિકા અખબારે કહ્યું કે ભારતીય સુરક્ષા અધિકારીઓની વિનંતી પર આ સૂચના આપવામાં આવી છે અને નેપાળ-ભારત સરહદ વિસ્તારને બે દિવસ માટે હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે. સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવ્યું છે કે સાદા વસ્ત્રોમાં પોલીસે સરહદી વિસ્તારમાં તકેદારી વધારી દીધી છે કારણ કે અમૃતપાલ પશ્ચિમ નેપાળના કપિલવસ્તુથી દેશમાં પ્રવેશી શકે છે.
આ દરમિયાન સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી સેલ્ફીમાં અમૃતપાલ અને પાપલપ્રીત બન્નેના હાથમાં ડ્રિંકનું કેન છે અને તે બિન્દાસ જોવા મળે છે. અમૃતપાલે મરૂન કલરની પાઘડી પહેરી છે. જે તેણે ભાગતી વખતે પહેરી હતી. પરંપરાગત વાદળી પાઘડી નથી જે તે શીખ ઉપદેશક તરીકે પહેરતો હતો. પંજાબ પોલીસ દ્વારા અગાઉ જાહેર કરાયેલા સીસીટીવી ફૂટેજમાં તે કથિત રીતે મરૂન પાઘડીમાં જોવા મળ્યો હતો.
આ સેલ્ફીનો સ્ત્રોત આ રિપોર્ટ લખાયો ત્યાં સુધી જાણી શકાયો નથી. પંજાબ પોલીસના ટોચના અધિકારીઓએ કહ્યું કે તેમને એ વાતની જાણકારી નથી કે તેને સોશિયલ મીડિયા પર કોણે જાહેર કરી છે. જેનાથી એવી અટકળો શરૂ થઈ છે કે અમૃતપાલ અથવા પાપલપ્રીતે સુરક્ષિત સ્થાન પર પહોંચ્યા પછી તેને જાતે જ જાહેર કરી હશે.
અન્ય એક ઘટનાક્રમમાં અમૃતપાલના નજીકના સહયોગી વરિન્દર સિંહ ઉર્ફે ફૌજીની અમૃતસર ગ્રામીણ પોલીસે ધરપકડ કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઉપદેશક માટે ખાનગી સુરક્ષાનો ભાગ બનેલા વરિન્દર સિંહ સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરવામાં આવ્યો છે અને તેને આસામની ડિબ્રુગઢ જેલમાં મોકલવામાં આવ્યો છે.