બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગુલીસ્તાન વિસ્તારમાં મંગળવારે એક સાત માળની ઈમારતમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ બાદ આખી ઈમારતમાં આગ લાગી ગઈ હતી. બચાવ કાર્ય માટે ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. જો કે આ ભયંકર વિસ્ફોટ થવાનું કારણ હાલ જાણી શકાયું નથી.
સ્થાનિક મીડિયાના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુલિસ્તાન બીઆરટીસી કાઉન્ટરની દક્ષિણ બાજુએ આવેલી આ પાંચ માળની બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સેનિટરી શોપ અને બાકીના માળે BRAC બેંકની ઓફિસ અને તેની બાજુમાં સાત માળની સેનેટરી માર્કેટ બિલ્ડીંગ આવેલી છે. આ વિસ્ફોટ બાદ બેંકો, દુકાનો અને બજારોમાં આગ લાગી હતી, જો કે કોઈ ઈમારત ધરાશાયી થઈ ન હતી. આ વિસ્ફોટથી બેંકની કાચની દિવાલો તૂટી ગઈ હતી ઉપરાંત રસ્તા પર ઉભેલી બસોને પણ નુકસાન થયું હતું.
ફાયર સર્વિસ કંટ્રોલ રૂમને bdnews24 ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશમાં બ્લિડિંગમાં વિસ્ફોટની આ ઘટના લગભગ 4:50 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) બની હતી.
ડીએમસીએચ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર બચ્ચુ મિયાંએ જણાવ્યું કે, આ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને ત્યાં તમામને ઈમરજન્સી યુનિટમાં સારવાર ચાલી રહી છે.