Sheikh Hasina News: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે, એવા અહેવાલો છે કે યુનુસ સરકાર તેમની સામે રેડ કોર્નર નોટિસ જારી કરી શકે છે. રેડ કોર્નર નોટિસ જારી કરવા ઇન્ટરપોલનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય 11 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે, તેમની સામે નોટિસ પણ આપી શકાય છે. યુનુસ સરકારનો આરોપ છે કે આ તમામ લોકો બાંગ્લાદેશમાં અસ્થિરતા પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શેખ હસીના સામે કેટલા કેસ દાખલ થયા?
બાંગ્લાદેશ પોલીસે તાજેતરમાં શેખ હસીના અને અન્ય 72 લોકો સામે અનેક કેસ નોંધ્યા હતા, જેમાં ગૃહયુદ્ધ શરૂ કરવાના કાવતરાથી માંડીને સરકારને પાડવાનો પ્રયાસ કરવાનો સમાવેશ થાય છે. શેખ હસીના પર હાલ 100થી વધુ કેસ ચાલી રહ્યા છે, જેમાં સામૂહિક હત્યા અને ભ્રષ્ટાચારના આરોપોનો પણ સમાવેશ થાય છે. યુનુસ સરકાર શેખ હસીના વિશે પણ ભારતને સવાલ કરી રહી છે.
પોલીસે શું કહ્યું?
આ મામલે સહાયક મહાનિરીક્ષક (મીડિયા) ઇનામુલ હક સગોરે જણાવ્યું કે, આ તમામ કેસ સંપૂર્ણ તપાસ બાદ નોંધવામાં આવ્યા છે. ઢાકા ટ્રિબ્યુને પણ આ અહેવાલોને સમર્થન આપ્યું છે, જેનો અર્થ એ છે કે આગામી દિવસોમાં શેખ હસીનાની મુશ્કેલીઓ વધી શકે છે. જો રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવે તો અન્ય ઘણા પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. આમ તો, ઈનામુલે તો ત્યાં સુધી કહી દીધું છે કે ઈન્ટરપોલના કારણે કોઈ પણ વ્યક્તિનું લોકેશન ટ્રેસ કરવું સરળ બની જાય છે. હાલ તો રેડ કોર્નર નોટિસ માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે.
બાંગ્લાદેશનું માહોલ કેવો છે?
શેખ હસીના ગત વર્ષ 5 ઓગસ્ટે બાંગ્લાદેશથી ભાગી ગયા હતા જ્યારે દેશભરમાં વિદ્યાર્થીઓનો વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો હતો. તે વિરોધને કારણે 16 વર્ષથી ચાલતી તેમની આવામી સરકાર પડી ભાંગી હતી. અત્યાર સુધીમાં પાછલી સરકારના ઘણા મંત્રીઓ અને નેતાઓ જેલમાં કેદ છે, તો ઘણાએ અન્ય દેશોમાં શરણ લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સમયાંતરે શેખ હસીના પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વાત કરે છે, તેમને સત્તામાં પાછા આવવાના સપના પણ બતાવે છે.