Bloomberg Billionaires Index: એલોન મસ્ક બાદ ગૌતમ અદાણીને વર્ષ 2025માં સૌથી વધુ નુકસાન, જાણો મુકેશ અંબાણીને શું છે હાલ

Bloomberg Billionaires Index: બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ એલોન મસ્કની સંપત્તિમાં વર્ષ 2025માં અત્યાર સુધી 35.2 અબજ ડોલરનો ઘટાડો થયો છે. જાણો ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી દુનિયાના ધનિકોની યાદીમાં ક્યાં છે.

Written by Ajay Saroya
February 21, 2025 13:42 IST
Bloomberg Billionaires Index: એલોન મસ્ક બાદ ગૌતમ અદાણીને વર્ષ 2025માં સૌથી વધુ નુકસાન, જાણો મુકેશ અંબાણીને શું છે હાલ
Forbes 2025 Billionaires List: મુકેશ અંબાણી, એલોન મસ્ક અને ગૌતમ અદાણી. (Photo: Social Media)

Bloomberg Billionaires Index World Richest Person Net Worth: વર્ષ 2025ની શરૂઆતથી દુનિયાભરના ધનિકોની સંપત્તિમાં ઘટાડો થઇ રહ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, વર્ષ 2025માં અત્યાર સુધી ટેસ્લાના ફાઉન્ડર એલોન મસ્કની સંપત્તિમાં સૌથી વધુ ઘટાડો થયો છે, ત્યાર બાદ ભારતીય ઉદ્યોગપતિ બીજા ક્રમે છે. અલબત્ત એલોન મસ્કની સંપત્તિમાં ધરખમ ઘટાડો થવા છતાં દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં નંબર 1 પર યથાવત છે.

એલોન મસ્કની સંપત્તિ 35 અબજ ડોલર ઘટી

એલોન મસ્કની સંપત્તિમાં વર્ષ 2025ની શરૂઆત થી અત્યાર સુધીમાં 35.2 અબજ ડોલર ઘટીને 397 અબજ ડોલર થઇ છે. જે દુનિયાના ધનિકોની સંપત્તિમાં સૌથી વધુ ઘટાડો છે. આમ છતાં એલોન મસ્ક હજી પણ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં નંબર 1 પર યથાવત્ છે.

ગૌતમ અદાણીની સંપત્તિ કેટલી ઘટી

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દુનિયાની ધનાઢ્યોની યાદીમાં 23માં ક્રમે અને મુકેશ અંબાણી 17માં ક્રમે છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. વર્ષ 2025ની શરૂઆતથી જ અદાણી ગ્રૂપના શેર સતત ઘટી રહ્યા છે. જેના કારણે ગૌતમ અદાણીની નેટવર્થ 11.9 અબજ ડોલર ઘટીને 66.8 અબજ ડોલર થઇ ગઇ છે. તો ભારત અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણની સંપત્તિ આ વર્ષે 2.94 અબજ ડોલર ઘટીને 87.7 અબજ ડોલર થઇ ગઇ છે. મુકેશ અંબાણી હાલ વિશ્વના 17માં સૌથી અમીર વ્યક્તિ છે, જ્યારે ડિસેમ્બર 2024માં તેઓ 12મા ક્રમે હતા.

આ અગાઉ ડિસેમ્બરમાં અદાણી ગ્રૂપ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સામે વિવિધ વેપાર પડકારોનો સામનો કરવાના પગલે બંને બિઝનેસ ટાયકૂન બ્લૂમબર્ગની 100 અબજ ડોલરની ક્લબ માંથી બહાર થઇ ગયા હતા.

બ્લૂમબર્ગે કહ્યું કે, “અદાણીની સંપત્તિનો મોટો હિસ્સો સાર્વજનિક રીતે ટ્રેડ કરનાર એવી છ કંપનીઓના હિસ્સામાંથી આવે છે, જે અદાણી ગ્રૂપનો ભાગ છે. આ કંપનીઓ અને શેરહોલ્ડિંગમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ (74 ટકા), અદાણી પાવર (75 ટકા), અદાણી ટોટલ ગેસ (37 ટકા), અદાણી એનર્જી સોલ્યુશન્સ (70 ટકા), અદાણી પોર્ટ્સ (66 ટકા) અને અદાણી ગ્રીન એનર્જી (61 ટકા)નો સમાવેશ થાય છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, એલોન મસ્ક 397 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે નંબર 1 પર છે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ 245 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા નંબરે છે. આ યાદીમાં એમેઝોનના જેફ બેજોસે 243 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે.

ઓરેકલ (Oracle) ના સ્થાપક અને સૌથી મોટા શેરહોલ્ડર લેરી એલિસન 200 અબજ ડોલરની સંપત્તિ સાથે ચોથા સ્થાને આવ્યા હતા. તે પછી LVMHના ચેરમેન અને સીઇઓ બર્નાર્ડ આર્નોલ્ટ 195 અબજ ડોલરની સંપત્તિ સાથે પાંચમાં સ્થાને અને બિલ ગેટ્સ 169 અબજ ડોલરની સંપત્તિ છઠ્ઠા સ્થાન પર છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ એ દુનિયાના સૌથી ધનિક લોકોની દૈનિક રેન્કિંગ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ