Brazil Plane Crash : બ્રાઝીલના સાઓ પાઉલોમાં શુક્રવારે એક દર્દનાક વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 62 લોકોના મોત થયા હતા. આ ઘટનાનો વીડિયો ગઇકાલથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બ્રાઝિલની રિજનલ એરલાઇન્સનું વિમાન ટેકઓફના થોડા સમય બાદ જ રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું.
વિમાન જ્યાં પડ્યું હતું ત્યાં કેટલાક મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું. પ્લેન નીચે પડતાં જ તેમાં આગ લાગી ગઇ હતી અને ફ્લાઇટમાં સવાર તમામ લોકોનાં મોત થયા હતા. પરંતુ આ અકસ્માતને કારણે બ્રાઝિલના એક યુવાન એડ્રિયાનો એસિસને નસીબમાં વિશ્વાસ કરવા માટે મજબૂર કરી દીધો છે.
નસીબદાર નીકળ્યો આ વ્યક્તિ, વિમાનમાં ન બેસી શક્યો
એડ્રિયાનો એસિસ પોતાને ખૂબ નસીબદાર માની રહ્યો છે કારણ કે તે શુક્રવારે આ ફ્લાઇટમાં બેસવાનો હતો, પરંતુ ક્રૂ મેમ્બરે તેને વિમાનમાં બેસવા દીધો ન હતો. હવે તે ભગવાનનો આભાર માની રહ્યો છે.એડ્રિયાનોએ અકસ્માતની જાણકારી બાદ મીડિયાને જણાવ્યું હતું કે તેની પાસે આ વિમાનની ટિકિટ પણ હતી અને તે આ વિમાનમાં ચડવાનો હતો, પરંતુ એરપોર્ટ પહોંચવામાં તેને મોડું થયું હતું, જેના કારણે તેને ફ્લાઇટમાં બેસવા દેવામાં આવ્યો ન હતો અને વિમાન થોડા કલાકો પછી ક્રેશ થયું હતું.
એડ્રિયાનોએ શું કહ્યું?
જ્યારે એડ્રિયાનો એસિસને વિમાન દુર્ઘટનાની જાણકારી મળી તો તેમણે પોતે મીડિયા સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેણે બ્રાઝિલની એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું 9:40 વાગ્યે એરપોર્ટ પર પહોંચ્યો હતો, પરંતુ ગેટ બંધ થઇ ગયા હતા અને ફ્લાઈટ જવાની તૈયારીમાં હતી. હું હોસ્પિટલમાં કામ કરું છું, એરપોર્ટ આવવામાં મોડું થયું હતું. મેં જોયું કે ગેટ બંધ હતા અને હું તેના ખુલવાની રાહ જોતો હતો. મેં આ સમય દરમિયાન કોફી પીધી અને પ્રતીક્ષા કરી, પરંતુ કોઈ જાહેરાત થઈ નહીં. જ્યારે હું નીચે ગયો ત્યારે 10.30 વાગ્યા હતા અને ત્યાં ખૂબ લાંબી લાઇન હતી.
આ પણ વાંચો – બ્રાઝિલમાં મોટી વિમાન દુર્ઘટના, 62 લોકોના દર્દનાક મોત, રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું
વિમાન દુર્ઘટનાના સમાચાર બાદ એસિસે ક્રૂ મેમ્બરને ગળે લગાવ્યા
એડ્રિયાનોએ જણાવ્યું કે આ દરમિયાન તેની ક્રૂ મેમ્બર સાથે ઘણી દલીલ થઈ હતી. તેમણે જણાવ્યું કે પ્લેન ટેક ઓફ કરી ગયું છે અને ક્રૂ મેમ્બરે તેમને આગળ જવા દીધા ન હતા. પરંતુ જ્યારે અકસ્માતના સમાચાર આવ્યા ત્યારે અસિસે ત ક્રૂ મેમ્બરને ગળે લગાવી લીધો હતો. આ અવિશ્વસનીય સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અસિસે ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે તે ક્રૂ મેમ્બરનો આભારી છે કે જેમણે તેને ફ્લાઇટમાં ચઢવા ન દીધો અને મારો જીવ બચી ગયો.
આમ જોવા જઈએ તો એડ્રિયાનો એકમાત્ર એવી વ્યક્તિ નથી કે જેને નસીબે સાથ આપ્યો છે. અન્ય એક મુસાફર પોતાની ભૂલના કારણે આ ફ્લાઈટ ચૂકી ગયો હતો. આ વ્યક્તિએ મીડિયાને એમ પણ કહ્યું હતું કે ભગવાનનો આભાર છે કે હું તે ફ્લાઇટમાં સવાર થયો નહીં. અમને ખબર ન હતી કે તે વિમાનમાં આવું થવાનું છે.