BRICS Summit 2023: બ્રિક્સ સમિટ 2023 દક્ષિણ આફ્રિકામાં શરૂ થઇ છે. પીએમ નરેન્દ્ર મોદી સહિત વિશ્વના ટોચના નેતાઓ પહોંચી ગયા છે જ્યારે ચીનની સૂચક ગેરહાજરીની નોંધ લેવાઇ છે. શી જિનપિંગ બેઠકમાં જોડાયા નથી. સાથોસાથ રશિયન પ્રેસિડેન્ટ વ્લાદીમીર પુતિન બેઠકમાં વર્ચ્યુઅલી જોડાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ લીડર્સ રિટ્રીટ અને સંગઠનના અન્ય નેતાઓ સાથે વૈશ્વિક ઘટનાક્રમ પર ચર્ચા કરવા માટે મંગળવારે દક્ષિણ આફ્રિકાના સમર પેલેસ પહોંચ્યા છે. પીએમ મોદી દક્ષિણ આફ્રિકા અને યૂનાનની ચાર દિવસની યાત્રા પર છે. દક્ષિણ આફ્રિકામાં તેઓ 15મી બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લઇ રહ્યા છે. વર્ષ 2019 પછી આ એવી પહેલી બેઠક છે કે જેમાં વિશ્વના ટોચના નેતાઓ એક મંચ પર જોડાશે.
દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ લીડર્સ રિટ્રીટમાં વૈશ્વિક ઘટનાક્રમ અંગે ચર્ચા થશે. વડાપ્રધાન નરેન્દ્ર પોતાની ચાર દિવસીય પ્રવાસ દરમિયાન પાંચ દેશોના અન્ય નેતાઓ સાથે વૈશ્વિક ઘટનાક્રમ અંગે વિચાર વિમર્શ કર્યો. જ્હોનિસબર્ગમાં તે દક્ષિણ આફ્રિકા રાષ્ટ્રપતિ માટામેલા સિરિલ રામફોસાના આમંત્રણને માન આપી 22થી 24 ઓગસ્ટ સુધી આયોજિત બ્રિક્સ નેતાના 15મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લઇ રહ્યા છે. વર્ષ 2019 બાદ આ પહેલી વાર બ્રિક્સ નેતાઓ એક મંચ પર આવ્યા છે. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા છે.
ચીની શી જિનપિંગ બેઠકમાં ન જોડાયા
જ્હોનિસબર્ગથી પ્રાપ્ત મીડિયા અહેવાલ અનુસાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ વખતે બ્રિક્સ શિખર સંમેલનથી દૂર રહ્યા છે. શી જિનપિંગ બેઠકમાં જોડાયા નથી. દક્ષિણ આફ્રિકામાં શરૂ થયેલ બ્રિક્સ સંમેલનમાં અન્ય દેશોનાના નેતાઓ પોતાના વિચાર વ્યક્ત કરી રહ્યા હતા ત્યાં ચીનના રાષ્ટ્રપતિની સૂચક ગેરહાજરીને લીધે ચીનના વાણિજ્ય મંત્રી વાંગ વેંતાઓએ શી જિનપિંગનું ભાષણ વાંચ્યું હતું. જેમાં તેમણે વિશ્વ પર આધિપત્ય જમાવવાનો પ્રયાસ કરી રહેલા અમેરિકાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.
ચીને સાધ્યું અમેરિકા પર નિશાન
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું ભાષણ વાંચતાં ચીનના વાણિજ્ય મંત્રીએ અમેરિકાની ટીકા કરતાં કહ્યું કે, અમેરિકા એવા દેશોને લડાવવાની પ્રવૃત્તિ કરે છે જે વૈશ્વિક બાબતો અને વૈશ્વિક બજારમાં એના પ્રભુત્વને ટક્કર આપી રહ્યા છે. દરેક દેશને વિકાસનો અધિકાર છે અને લોકો પાસે સુખી જીવન જીવવાની આઝાદી હોવી જોઇએ. અમેરિકા પર સીધુ નિશાન સાધતાં તેમણે કહ્યું કે, એક દેશ પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે ઉત્સુક છે અને ઉભરી રહેલા બજારમાં વિકાસશીલ દેશોને કમજોર કરવા છેલ્લી હદ સુધી જવા માટે તૈયાર છે.
દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સંમેલન શરૂ
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ મંગળવારે 15મા બ્રિક્સ શિખર સંમેલનનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, સંરક્ષણવાદની તરફેણ અને વૈશ્વિક વેપારી સંગઠ ન (WTO) ના નિયમો વિરૂધ્ધ થઇ રહેલ કામગીરી વૈશ્વિક આર્થિક વૃધ્ધિ અને વિકાસને કમજોર કરે છે. રામફોસાએ વડાપ્રધાન મોદી, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા દા સિલ્વા અને ચીનના વાણિજ્ય મંત્રી વાંગ વેંતાઓ સાથે એક મંચ શેયર કર્યો. વેંતાએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તરફથી દેશનું પ્રતિનિધિત્વ કર્યું. બ્રિક્સ બિઝનેસ ફોરમ લીડર્સ ડાયલોગ માટે નેતાઓની મુલાકાત બાદ રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઓનલાઇન પોતાનું ભાષણ કર્યું હતું.