Britain Violence | બ્રિટનની હિંસા : ગયા મહિને જ બ્રિટનમાં પીએમ કીર સ્ટારમરના નેતૃત્વમાં નવી લેબર પાર્ટીની સરકાર રચાઈ હતી અને ત્યારથી બ્રિટનની શેરીઓમાં હિંસાની કેટલીક ઘટનાઓ નોંધાઈ છે. તાજેતરના અહેવાલોમાં જાણવા મળ્યું છે કે, ઉત્તર-પશ્ચિમ ઇંગ્લેન્ડમાં છરીના હુમલામાં ત્રણ છોકરીઓના મોત થયા છે. ત્યારથી, યુકેમાં ભારે વિરોધ થઈ રહ્યો છે અને ગુસ્સે થયેલા લોકોએ આ વિરોધમાં હિંસક વલણ પણ અપનાવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ હિંસા અત્યંત દક્ષિણપંથી દ્વારા કરવામાં આવી હતી.
બ્રિટનની શેરીઓમાં હિંસક ભીડ અને સળગતી દુકાનોની તસવીરો હવે આખી દુનિયામાં શેર કરવામાં આવી રહી છે. આ સમગ્ર હંગામાનું કારણ આરોપી સાથે જોડાયેલા એક સમાચાર છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો હતો કે, સાઉથપોર્ટ હુમલાખોર ઇમિગ્રન્ટ મુસ્લિમ હતો, જે ગેરકાયદેસર રીતે બ્રિટન આવ્યો હતો. આ પછી ઇમિગ્રન્ટ્સ સામે વિરોધનું મોજું જોવા મળી રહ્યું છે.
પીએમ સ્ટારમેરે તોફાનીઓને ચેતવણી આપી
અહેવાલો અનુસાર, બ્રિટનમાં હિંસા દરમિયાન 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં અહીં હિંસક અથડામણો અને જમણેરી જૂથોની અશાંતિ વધી છે. આ ઘટનાને લઈને પીએમ કીર સ્ટારમેરે અધિકારીઓને ઉગ્રવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. પીએમ સ્ટારમેરે ચેતવણી આપી છે કે, જે લોકો રમખાણ કરી રહ્યા છે તેઓને પસ્તાવો થશે.
આ વિસ્તારોમાં હિંસા કાબૂ બહાર ગઈ હતી
ઉલ્લેખનીય છે કે, બ્રિટનના લિવરપૂલ, હલ, બ્રિસ્ટોલ, લીડ્સ, બ્લેકપૂલ, સ્ટોક-ઓન-ટ્રેન્ટ, બેલફાસ્ટ, નોટિંગહામ અને માન્ચેસ્ટરમાં શનિવારે હિંસક ઘટનાઓ બની હતી, જ્યાં હિંસક ટોળાએ પથ્થરમારો કર્યો હતો. તેઓ શરણાર્થીઓ માટે બનેલી હોટલ પર પથ્થર ફેંકતા અને દુકાનો પર હુમલો કરતા અને આગ લગાડતા જોવા મળ્યા હતા. જેના કારણે અનેક વિસ્તારોમાં પોલીસ અને હિંસક ટોળાં વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.
સરકારે પોલીસને છૂટો હાથ આપ્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેશભરમાં વધી રહેલી હિંસા વચ્ચે પીએમ સ્ટારમે શનિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને તે પછી, તેમણે પોલીસને સમર્થન આપતા, આદેશ જાહેર કર્યો હતો કે, પોલીસે હિંસા પર અંકુશ મેળવવા માટે તમામ યોગ્ય રણનીતિ અપનાવવી જોઈએ. પીએમએ પોલીસને હિંસા પર કાબૂ મેળવવા માટે છૂટ આપી છે.
કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે
બ્રિટિશ વડા પ્રધાને કહ્યું છે કે, જે લોકો પોલીસ પર હુમલો કરી રહ્યા છે, સ્થાનિક વ્યવસાયોને ખોરવી રહ્યા છે અને સમુદાયોને ડરાવી રહ્યા છે, તેઓ નફરત ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્રિટિશ પીએમે કહ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર અને હિંસક અવ્યવસ્થા જે આપણે જોઈ છે, તે બે ખૂબ જ અલગ વસ્તુઓ છે.
આ પણ વાંચો – Bangladesh Violence | બાંગ્લાદેશમાં અરાજકતા! સ્થિતિ વણસી જતાં કર્ફ્યુ, હિંસામાં 91 લોકોના મોત
પીએમ સ્ટારમેરે કહ્યું કે, કોઈપણ પ્રકારની હિંસા માટે કોઈ બહાનું નથી અને પુનરોચ્ચાર કર્યો કે, સરકાર અમારી શેરીઓ સુરક્ષિત રાખવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં પોલીસને સમર્થન આપે છે.