Suella Braverman : બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે તેમના સૌથી વરિષ્ઠ મંત્રીઓમાંથી એક એવા ગૃહમંત્રી સુએલા બ્રેવરમેનની હકાલપટ્ટી કરી છે. સુએલા બ્રેવરમેને ગયા અઠવાડિયે શનિવારે એક વિરોધ પ્રદર્શનને સંભાળવાની પોલીસની રીત પર સવાલ ઉઠાવ્યા હતા. એક પ્રકારે આ નિવેદનને ઋષિ સુનક પર હુમલો માનવામાં આવ્યો હતો.
સુએલા બ્રેવરમેને ઇઝરાયેલ હમાસ યુદ્ધની શરૂઆત બાદ લંડનમાં થયેલા પ્રદર્શનો પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે મેટ્રોપોલિટન સિટી પોલીસે વિરોધ પ્રદર્શનને યોગ્ય રીતે નિયંત્રિત કર્યું નથી. જેના કારણે લોકોને ઘણી પરેશાની થઇ હતી. વિપક્ષી પાર્ટીની સાથે-સાથે ગૃહમંત્રી સુએલા બ્રેવરમેનની હકાલપટ્ટી કરવાની માંગણી તેમની કન્ઝર્વેટિવ પાર્ટીએ પણ કરી હતી.
આ પણ વાંચો – હરદીપ સિંહ નિજ્જર હત્યા, કેનેડાના પીએમ ટ્રુડોએ ભારતને લઇને ફરી આપ્યું બેજવાબદાર નિવેદન
શનિવારે યુદ્ધવિરામ દિવસ મનાવવાનો હતો અને આ કાર્યક્રમ ડાઉનિંગ સ્ટ્રીટની નજીક વ્હાઇટ હોલમાં યોજાવાનો હતો. આ જ દિવસે પેલેસ્ટાઈન તરફી સમર્થકો ઈઝરાયેલ વિરુદ્ધ માર્ચ યોજવાની તૈયારી કરી રહ્યા હતા. બ્રિટનના ગૃહમંત્રી સુએલા ઈચ્છતા હતા કે પોલીસ તેમને રોકવા માટે દબાણ કરે. પરંતુ પોલીસે જણાવ્યું હતું કે કૂચનો માર્ગ કાર્યક્રમ સ્થળથી અલગ છે.
શનિવારે લંડનમાં પેલેસ્ટાઇન સમર્થકોએ પ્રદર્શન કર્યું હતું અને આ દરમિયાન સેન્ટ્રલ લંડનમાં પ્રદર્શનકારીઓની પોલીસ સાથે ઝડપ થઈ હતી. લંડન પોલીસે આ ઘટનાના સંબંધમાં 126 લોકોની ધરપકડ કરી હતી. સુએલા પહેલા પણ ઘણા આકરા નિવેદનો આપતા રહ્યા છે. ઋષિ સુનક પહેલા જ્યારે લિઝ ટ્રસ થોડા દિવસ માટે પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન પણ સુએલા ગૃહમંત્રી પણ રહ્યા હતા.
જાણો શું લખ્યું હતું સુએલા બ્રેવરમેન
સુએલા બ્રેવરમેને ‘ધ ટાઈમ્સ’માં લખ્યું હતું કે આક્રમકતામાં સામેલ દક્ષિણપંથી અને રાષ્ટ્રવાદી પ્રદર્શનકારીઓ પોલીસની આકરી પ્રતિક્રિયાનો સામનો કરવો પડે છે. પરંતુ પેલેસ્ટાઈન સમર્થક ભીડને મોટા પ્રમાણમાં નજરઅંદાજ કરી દેવામાં આવે છે. ભલે તેઓ સ્પષ્ટપણે કાયદાનો ભંગ કરતા હોય. ગાઝા પર ઈઝરાયેલના હુમલાઓ સામે થયેલા વિરોધમાં મોટી સંખ્યામાં એવા લોકો જોવા મળ્યા છે જેઓ જાણી જોઈને ગુનાહિત કૃત્યો કરી રહ્યા છે.





