Canada Khalistani News : ખાલિસ્તાની સમર્થકો ફરી એકવાર કેનેડામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી શકે છે. ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ કેનેડાના સરેમાં ખાલિસ્તાન સમર્થકોનો એક કથિત વીડિયો શેર કર્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, ખાલિસ્તાની ત્યાંના હિન્દુ લક્ષ્મી નારાયણ મંદિરમાં મુશ્કેલી ઉભી કરવા માંગે છે. ટ્વિટર પર જાહેર કરાયેલા આ વીડિયોમાં ચંદ્ર આર્યએ ટ્રુડો સરકાર પાસે આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે.
ચંદ્ર આર્યએ કહ્યું કે, જો કેટલાક અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ખાલિસ્તાન સમર્થકોએ ગયા અઠવાડિયે સરેમાં શીખ ગુરુદ્વારાની બહાર એક શીખ પરિવાર સાથે મૌખિક રીતે દુર્વ્યવહાર કર્યો હતો. હવે એવું લાગે છે કે, આ જ ખાલિસ્તાન જૂથ સરેના હિન્દુ લક્ષ્મી નારાયણ મંદિરમાં મુશ્કેલી ઉભી કરવા માંગે છે. આર્યએ કહ્યું કે, આ બધું વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કરવામાં આવી રહ્યું છે. હું ફરીથી કેનેડિયન સત્તાવાળાઓને દરમિયાનગીરી કરવા અને પગલાં લેવાનું કહી રહ્યો છું.
તમને જણાવી દઈએ કે, કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલાનો આ પહેલો મામલો નથી. ખાલિસ્તાની આતંકવાદીઓ ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે. એપ્રિલમાં, BAPS સ્વામિનારાયણ મંદિરમાં વિન્ડસર, ઓન્ટારિયો, કેનેડામાં ભારત વિરોધી ગ્રેફિટી (દિવાલ પર ભારત વિરોધી ચિત્રો અથવા લખાણો) સાથે તોડફોડ કરવામાં આવી હતી. આ સિવાય ફેબ્રુઆરીમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જાન્યુઆરીમાં, બ્રેમ્પટનમાં એક હિંદુ મંદિર પર ભારે વિરોધી સૂત્રો લખવાની ઘટના પણ નોંધાઈ હતી.
ચંદ્ર આર્ય કોણ છે?
ચંદ્ર આર્ય મૂળ કર્ણાટકના છે. તે કેનેડાના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સમાં નેપિયન, ઓન્ટારિયોના ચૂંટણી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે. આર્યએ કૌસાલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, ધારવાડમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તે 2006 માં કર્ણાટકથી કેનેડા આવ્યા હતો. તેઓ ઈન્ડો-કેનેડા ઓટ્ટાવા બિઝનેસ ચેમ્બરના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આ પછી તેઓ રાજકારણમાં આવ્યા.





