India Canada Row : ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો હવે સામાન્ય રહ્યા નથી. ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં ભારતે કેનેડાને જડબાતોડ જવાબ આપ્યો હતો. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને દોષનો ટોપલો ભારત પર ઢોળવાનો પ્રયાસ કર્યો હતો.
ભારત વિરોધી પોસ્ટર – બેનર હટાવવાની સૂચના
આ પછી ભારતે કેનેડાને એક પછી એક અનેક જડબાતોડ જવાબ આપ્યા હતા. સાથે જ કેનેડાના સૂર નરમ પડી રહ્યા છે અને તે ખાલિસ્તાની આતંકીઓ સામે પોતાના દેશમાં કડકાઇ વધારી રહ્યું છે. કેનેડાના વહીવટીતંત્રે ખાલિસ્તાની સમર્થકોને દેશના ઘણા વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને બેનરો હટાવવાનો આદેશ આપ્યો છે.
કટ્ટરપંથી જાહેરાત માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં ન આવે
કેનેડાના સરેના એક ગુરુદ્વારામાં ભારતીય રાજદ્વારીઓની હત્યાની વાત કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પછી સ્થાનિક અધિકારીઓએ દરમિયાનગીરી કરી હતી અને આ પોસ્ટરો દૂર કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ પ્રશાસને ગુરુદ્વારા મેનેજમેન્ટને ચેતવણી પણ આપી છે કે તેઓ કોઈ પણ કટ્ટરપંથી જાહેરાત માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં ન આવે.
આ પણ વાંચો – કેનેડામાં અભ્યાસ માટે દર વર્ષે 68 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે પંજાબના વિદ્યાર્થીઓ, જાણો હવે શું થશે
જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોઈ શકે છે
18 સપ્ટેમ્બરે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કેનેડિયન એજન્સીઓએ આની માહિતી મેળવી છે કે હત્યા પાછળ ભારતીય એજન્સીઓનો હાથ છે. જસ્ટિન ટ્રુડોએ ભારત પર કેનેડાની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. જસ્ટિન ટ્રુડોના આ નિવેદન બાદ કેનેડાએ ભારતીય રાજદ્વારી પવન કુમાર રાયને હાંકી કાઢ્યા હતા. બીજા જ દિવસે ભારતે તેનો જવાબ આપતાં કેનેડાના રાજદ્વારીને ભારતમાંથી હાંકી કાઢ્યા હતા.
ભારતે કેનેડાના વડાપ્રધાનને જવાબ આપતા કહ્યું હતું કે આ નિવેદન સંપૂર્ણપણે વાહિયાત છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આવા આરોપો માટે કોઈ આધાર નથી અને કેનેડાના વડાપ્રધાનનું નિવેદન ખાલિસ્તાની આતંકીઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. ભારતે એમ પણ કહ્યું હતું કે કેનેડા આતંકવાદીઓનું સ્વર્ગ બની રહ્યું છે.





