ISRO Chandrayaan-3 Moon Landing Live Updates : ચંદ્રયાન-3: ભારતનું મહત્વાકાંક્ષી મૂ મિશન ચંદ્રયાન 3 23 ઓગસ્ટ, 2023, બુધવારના રોજ ચંદ્રની સપાટી પર ઉતરશે. આ મિશન દ્વારા ISRO ચંદ્રની સપાટી પર રહેલા રસાયણો, માટી, ખડકો અને ધૂળના રજકણોનો અભ્યાસ કરવા માંગે છે. જે ભવિષ્યમાં ભારત માટે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. અગાઉ અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર જઈ ચૂક્યા છે. જો કે, અમેરિકાએ એકવાર ચંદ્ર પર ન્યુક્લિયર બોમ્બ કરવાની તૈયારી કરી લીધી હતી. આની માટે સિક્રેટ પ્લાન પણ બનાવી લીધો હતો ગુપ્ત અને તેને ‘પ્રોજેક્ટ A 119’ નામ આપવામાં આવ્યું હતું.
અમેરિકાનો સિક્રેટ પ્લાન – પ્રોજેક્ટ એ119 (America Project A119)
‘પ્રોજેક્ટ એ 119’ એ અમેરિકાનો ટોચનો સિક્રેટ પ્લાન હતો અને તેનો ઉદ્દેશ્ય ચંદ્ર પર હાઇડ્રોજન બ્લાસ્ટ કરવાનો હતો. તમને જણાવી દઈએ કે હાઈડ્રોજન બોમ્બ એટમિક બોમ્બ કરતા અનેક ગણો વધુ ખતરનાક અને શક્તિશાળી છે. વર્ષ 1945માં અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંક્યા, જેનાથી બંને શહેરો લગભગ તબાહ થઈ ગયા. અમેરિકાએ આ મહત્વપૂર્ણ જવાબદારી જાણીતા ભૌતિકશાસ્ત્રી લિયોનાર્ડ રાફેલને સોંપી હતી. રાફેલે મે 1958 અને જાન્યુઆરી 1959માં બે અલગ-અલગ રિપોર્ટ તૈયાર કર્યા હતા. જેમાં સમગ્ર યોજનાની સંપૂર્ણ રૂપરેખા હતી.
અમેરિકાને આવો વિચાર કેવી રીતે આવ્યો? (America Plan Nuclear Explosion On Moon)
તો અમેરિકાના મગજમાં ચંદ્ર પર હાઇડ્રોજન બ્લાસ્ટ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? બીબીસીના એક અહેવાલ મુજબ, તેની શરૂઆત વર્ષ 1950ની આસપાસ બીજુ વિશ્વ યુદ્ધ સમાપ્ત થયા બાદ થઇ હતી. બીજી વિશ્વ યુદ્ધની સમાપ્તિ બાદ અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે શીતયુદ્ધ શરૂ થઈ ગયું હતું. અમેરિકાના રાજકીય વર્તુળોમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે સોવિયત યુનિયન શીત યુદ્ધમાં ભારે પડી રહ્યું છે. તે સમયે, સોવિયેત સંઘ ખૂબ જ ઝડપથી પરમાણુ શસ્ત્રો બનાવવામાં વ્યસ્ત હતું. ન્યુક્લિયર બોમ્બ અને ન્યુક્લિયર મિસાઈલ પર ઝડપથી કામગીરી કરી રહ્યું હતું.
અમેરિકા-રશિયાના કોલ્ડ વોરથી શરૂઆત થઇ (US Russia Cold War)
વર્ષ 1952માં, અમેરિકાએ તેના પ્રથમ હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું. ત્રણ વર્ષ પછી વર્ષ 1955માં સોવિયત સંઘે પણ હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું. તેનાથી અમેરિકા સ્તબ્ધ થઈ ગયુ. વર્ષ 1957 સુધીમાં સોવિયેત સંઘે પૃથ્વીની પરિક્રમા કરવા માટે વિશ્વનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક-1 લોન્ચ કર્યો. આ દરમિયાન અમેરિકા પણ આવા પ્રયાસો કરી રહ્યું હતું, પરંતુ સફળ થઈ શક્યું નહીં.
રશિયાને ડરાવવા માંગતું અમેરિકા હતું
અમેરિકાની સિક્રેટ યોજના એવી હતી કે ચંદ્ર પર પ્રકાશ અને અંધકારની બોર્ડર લાઇન પર હાઇડ્રોજન બોમ્બ ફેંકવામાં આવશે. તેને ટર્મિનેટર લાઇન નામ આપવામાં આવ્યું હતું. ટર્મિનેટર લાઇન પર બોમ્બ છોડવાનો હેતુ એ હતો કે વિસ્ફોટ પછી એટલો તેજસ્વી પ્રકાશ હશે કે તે પૃથ્વી પર નરી આંખે સ્પષ્ટપણે જોઈ શકાય, ખાસ કરીને રશિયાની રાજધાની ક્રેમલિનથી. બીબીસીના જણાવ્યા અનુસાર, અમેરિકા આ સમગ્ર સિક્રેટ પ્લાન મારફતે એક રીતે રશિયા પર દબાણ લાવવા માંગતું હતું.
આ પણ વાંચો | ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર કરશે લેન્ડિંગ, અહીં જુઓ Live
અમેરિકાના સિક્રેટ પ્લાનનો કેવી રીતે ભાંડો ફૂટ્યો ? (America Secret Plan Project A119)
વર્ષ 1990ના દાયકામાં પહેલીવાર અમેરિકાના આ સિક્રેટ પ્લાન વિશે દુનિયાને ખબર પડી હતી. અમેરિકાના પ્રખ્યાત વૈજ્ઞાનિક કાર્લ સેગન પણ આ યોજનાનો એક ભાગ હતા. 1990ના દાયકામાં તેમણે યુનિવર્સિટી માટે અરજી આપી હતી, જેમાં તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.