DeepSeek Effect On US Share Market: ચીનના એઆઇ મોડલ ડીપસીક થી અમેરિકાના શેરબજારમાં મોટો આંચકો આવ્યો છે. ચીનના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) મોડલ ડીપસીક વી3 લોન્ચ થવાથી અમેરિકાની ટેક કંપનીઓના શેરમાં જબરદસ્ત કડાકો બોલાતા જંગી નુકસાન થયું છે. 25 જાન્યુઆરી, 2025 સોમવારે અમેરિકાના શેરબજાર ખુલતાની સાથે જ Nvidia કંપનીના શેરમાં 13 ટકાથી વધુ કડાકો નોંધાયો હતો. દુનિયાની દિગ્ગજ ટેક કંપનીની માર્કેટ વેલ્યૂમાં આ સૌથી મોટો ઐતિહાસિક ઘટાડો છે.
Nvidia શેરમાં 13 ટકાનો કડાકો, 600 અબજ ડોલરનું ધોવાણ
બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ સોમવારે યુએસ શેરબજાર ખૂલ્યા બાદ તરત જ Nvidia ના શેરમાં 13 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો અને માર્કેટ કેપમાં આશરે 600 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે કંપની માટે એક દિવસમાં આ સૌથી મોટો ઘટાડો છે. અગાઉ સપ્ટેમ્બર 2024માં Nvidiaનો શેર 9 ટકા તૂટ્યો હતો, જેમાં 279 અબજ ડોલર ધોવાઇ ગયા હતા.
યુએસ શેરબજારના મુખ્ય સ્ટોક ઇન્ડેક્સમાં Nvidia કંપનીની નોંધપાત્ર સ્થિતિને જોતાં શેરમાં ઘટાડાની વ્યાપક માર્કેટ પર અસર જોવા મળી હતી. બ્લૂમબર્ગના ડેટા અનુસાર, Nvidiaના પાછલા ઘટાડાએ એસએન્ડપી 500 ઇન્ડેક્સમાં દસ સૌથી મોટી એક દિવસીય ઘટાડામાં થી સાતમાં યોગદાન આપ્યું છે. સોમવારે અમેરિકાના શેરબજાર એસએન્ડપી 500 ઇન્ડેક્સમાં 2.3 ટકા અને નાસ્ડેક 100 ઇન્ડેક્સમાં 3.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
What Is DeepSeek? : ડીપસીક શું છે?
વર્ષ 2023માં સ્થાપેયાલ ચાઈનીઝ સ્ટાર્ટઅપ ડીપસીકે એક મફત એઆઇ આસિસ્ટન્ટ રજૂ કર્યું છે, જેણે દાવો કર્યો છે કે, તે સસ્તી ચિપ્સ અને ઓછા ડેટાનો ઉપયોગ કરે છે, જે એવી ધારણાને પડકારે છે કે એઆઇ ડેવલપમેન્ટ મુખ્યત્વે ચિપ્સ અને ડેટા સેન્ટર્સ જેવા કમ્પોનન્ટની માંગને વેગ આપશે.
DeepSeek Cost : ડીપસીક સસ્તી એઆઈ ટેકનોલોજી
ડીપસીક કંપનીએ જણાવ્યું કે, ડીપસીક-વી3 મોડલ 6 મિલિયન ડોલરથી ઓછા રોકાણ સાથે ડેવલપ કરવામાં આવ્યું છે. ઓપનએઆઈ, ગૂગલ, મેટા જેવી યુએસ ટેક કંપનીઓ દ્વારા એઆઈ પાછળ ખર્ચવામાં આવેલી રકમ કરતા અત્યંત ઓછી રકમ છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર ઓપન સોર્સ મોડલે અમેરિકામાં એપલના એપ સ્ટોર રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
Chatgpt ને પછાડી ડીપસીક નંબર-1 બન્યું
અમેરિકામાં એપલના એપ સ્ટોર પર ડીપસીકના એઆઇ આસિસ્ટન્ટે ચેટજીપીટીને પાછળ રાખીને નંબર વનનું સ્થાન મેળવ્યું હતું. આ પછી, રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે કે શું ડીપસીકનું આ ઇનોવેશન દુનિયાભરના એઆઈ ઉદ્યોગને અસર કરશે? 50 પાર્ક ઇન્વેસ્ટમેન્ટ્સના સીઇઓ એડમ સરહને જણાવ્યું હતું કે, બજાર તેની સંભવિત અસરના સંપૂર્ણ અવકાશનું પુનઃમૂલ્યાંકન કરી શકે છે.
Nvidia સહિત યુએસ ટેક શેરમાં જબરદસ્ત કડાકો
ચીનના ડીપસીક વી 3 ઓપન સોર્સ એઆઈ મોડલરથી વૈશ્વિક આઇટી સેક્ટરમાં હલચલ મચી ગઇ છે, ખાસ કરીને અમેરિકાની આઈટી ટેક કંપનીઓની ચિંતા વધી ગઇ છે. અમેરિકાની અગ્રણી એઆઈ એપ્સની અગ્રણી ચિપ ઉત્પાદક કંપની Nvidiaના શેરમાં 13 ટકાનો ઘટાડો નોંધાયો હતો જ્યારે સેમિકન્ડક્ટર ઇન્ડેક્સમાં 6.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આ પણ વાંચો | ચીનનું ડીપસીક એઆઈ મોડલ શું છે? યુએસની ટેકનોલોજી કંપનીઓને શેનો ડર છે? જાણો વિગતવાર
અમેરિકાના શેરબજારમાં લિસ્ટેડ દિગ્ગજ આઈટી ટેક કંપની માઇક્રોસોફ્ટ, મેટા પ્લેટફોર્મ અને ગૂગલ પેરેન્ટ આલ્ફાબેટમાં 2.2% થી 3.5% ની વચ્ચે ઘટાડો થયો હતો. તો એઆઈ સર્વર પ્રોડક્યુસર ડેલ ટેક્નોલોજીસ અને સુપર માઇક્રો કમ્પ્યુટરના શેરમાં અનુક્રમે 7.2% અને 8.9% નો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.