વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું ચીન એક મહત્વપૂર્ણ વળાંકે પહોંચી ગયું છે. ચીનમાં વસ્તી ઘટી રહી છે. ચીનમાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થઇ રહ્યા છે તો બીજી બાજુ જન્મદર પણ ઘટી રહ્યો છે. ચીનની સરકારે મંગળવારે જણાવ્યું કે, ચીનમાં વર્ષ 2022માં 95.6 લાખ બાળકોનો જન્મ થયો જેની સામે 104.1 લાખ લોકોના મોત થયા હતા. વર્ષ 1960ના દાયકાની શરૂઆત બાદ આ પહેલી ઘટના છે જ્યારે ચીનમાં મૃત્યુઆંક જન્મદર કરતા વધારે રહ્યો છે.
2023ના અંત સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે
ચીનની વસ્તીમાં 1961 બાદ પહેલીવાર ઘટાડો થયો છે. તો બીજી બાજુ ભારત વર્ષ 2023માં દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે અહેવાલ આપ્યો છે કે, દેશમાં વર્ષ 2021ના અંતમાં 1.41 અબજ વસ્તીની સરખામણીમાં વર્ષ 2022ના અંતમાં 1.41 અબજ લોકો હતા. પાછલા વર્ષે જન્મદર પ્રતિ 1,000 વ્યક્તિ દીઠ 6.77 જન્મ હતો, જે 2021ના 7.52 જન્મ કરતા ઓછો છે. જે સૌથી નીચો દર છે. ઉપરાંત પાછલા વર્ષે ચીનમાં વર્ષ 1976 પછીનો સૌથી ઉંચો મૃત્યુદર પણ નોંધ્યો છે. ચીનમાં વર્ષ 2021માં પ્રતિ 1,000 વ્યક્તિ દીઠ મૃત્યુદર 7.18 હતો જે વર્ષ 2022માં વધીને 7.37 થયો છે.
તમને જણાવી દઈએ કે આ સતત છઠ્ઠું વર્ષ છે જ્યારે ચીનમાં જન્મદર ઘટ્યો છે. નિષ્ણાંતો કહે છે કે, આ ઘટાડો ચીનને વસ્તી વિષયક કટોકટી (demographic crisis) તરફ ધકેલી રહ્યો છે.
ઇરવિનમાં કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના એક પ્રોફેસર વાંગ ફેંગે ધી ન્યૂયોર્ક ટાઇમ્સને જણાવ્યુ કે, લાંબા ગાળે અમે એક એવું ચીન જોવા જઈ રહ્યા છીએ જે દુનિયાએ ક્યારેય જોયું નહીં હોય. હવે એક યુવાન, ગતિશીલ, વધતી વસ્તી નહીં હોય. અમે ચીનની વસ્તીને વૃદ્ધ અને ઘટતી વસ્તી તરીકે ઓળખવાનું શરૂ કરીશું.”
ચીનમાં પડકારજનક સ્થિતિ
આ અહેવાલ બેઇજિંગમાં સરકારની માટે પડકારજનક સમયે આવ્યા છે, જેણે પાછલા મહિને અચાનક કોવિડ-19 વાયરસ માટેની તેની ઝીરો- ટોરલન્સ પોલિસીને ફેરબદલ કરી દીધી છે. છેલ્લા ચાર દાયકામાં ચીન ઇકોનોમીક પાવરહાઉસ અને દુનિયાના મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવ્યું છે. આ પરિવર્તનના પરિણામે વ્યક્તિની ઉંમરમાં વધારો થયો જેણે ચીનને હાલના લેવલે પહોંચવામાં મોટું યોગદાન આપ્યુ છે. ચીનમાં હાલ મોટી સંખ્યામાં લોકો વૃદ્ધિ થઇ રહ્યા છે તો સામે નવા બાળકોનો જન્મ ઘટી રહ્યો છે. વર્ષ 2035 સુધીમાં ચીનમાં 60 વર્ષથી વધુ ઉંમરના 40 કરોડ લોકો હોવાની અપેક્ષા છે, જે તેની વસ્તીના લગભગ 33 ટકા જેટલા થાય છે.
ચીનના સત્તાધીશોએ જન્મદરમાં ઘટાડાની ગતિને ધીમી પાડવા માટે પગલાંઓ લીધાં છે. વર્ષ 2016માં તેણે 35 વર્ષ જૂની એક-બાળક નીતિમાં (વન ચાઇલ્ડ પોલિસી) રાહત આપી, જેનાથી બે બાળકોને જન્મ આપવાની મંજૂરી મળી હતી. ત્યારબાદ વર્ષ 2021માં આ મર્યાદા વધારીને ત્રણ બાળક કરી છે. ત્યારથી ચીને દંપતિઓ અને નાના પરિવારોને બાળકોને જન્મ આપવા માટે પ્રેરિત કરવા હેતુ પ્રોત્સાહનો, કરવેરામાં ઘટાડો અને મિલકતમાં છૂટછાટ પણ આપી છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાજેતરમાં “જન્મદર વધારવા માટે એક રાષ્ટ્રીય નીતિ પ્રણાલી”નું વચન આપતાં આ મુદ્દાને પ્રાથમિકતા આપી હતી. પરંતુ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ચીનના ઘટી રહેલા જન્મદરના આંકડા એક અપરિવર્તનીય ટ્રેન્ડ દર્શાવી રહ્યા છે. જાપાન અને દક્ષિણ કોરિયાની સાથે ચીન વિશ્વમાં સૌથી નીચો પ્રજનન દર ધરાવે છે, જે વસ્તી વૃદ્ધિ માટે જરૂરી પ્રજનન પ્રતિસ્થાપન દર કરતાં પણ નીચે છે. આ આંકડા માટે દરેક દંપતિએ સરેરાશ બે બાળકોને જન્મ આપવાની જરૂર પડશે.
ચીનમાં ઘણા યુવા લોકો બાળકોને જન્મ આપવા ઇચ્છતા નથી. આ પાછળ તેઓ બાળકોના ઉછેર માટેના ઉંચા ખર્ચને કારણભૂત ગણાવી રહ્યા છે. બેઇજિંગમાં રહેતી 33 વર્ષની ફોટોગ્રાફર રશેલ ઝાંગે પોતાના પતિ સાથે લગ્ન કરતા પહેલા સંતાનને જન્મ ન આપવાનો નિર્ણય કર્યો હતો. ઘણી વખત ઘરના વડીલો નવા બાળકોના જન્મને લઈને ઝગડા પણ કરે છે.