Coldest place in the world : રશિયાનું સાખા રિપબ્લિક એ વિશ્વનો સૌથી ઠંડો વસ્તી ધરાવતો પ્રદેશ છે. સાખા, જેને યાકુટિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એન્ટાર્કટિકા પછી વિશ્વનું બીજુ સૌથી ઠંડું સ્થળ છે. પૂર્વ સાઇબિરીયામાં સ્થિત સાખા ભારત કરતાં કદમાં થોડું નાનું છે. શિયાળા દરમિયાન અહીંનું તાપમાન માઈનસ 70 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. કડકડતી ઠંડી હોવા છતાં સાખામાં લગભગ 10 લાખ લોકો વસે છે.
શિયાળા દરમિયાન સાખાનું સરેરાશ તાપમાન માઈનસ 55-60 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહે છે. જો તમે આવી તીવ્ર ઠંડીમાં તમારા હાથ, પગ અને ત્વચાને યોગ્ય રીતે ઢાંકતા નથી, તો તેને અકડાઈ જતા માત્ર સેકન્ડનો સમય લાગે છે. શિયાળા દરમિયાન ભાગ્યે જ કોઈ બહારનો વ્યક્તિ અહીં જાય છે, કારણ કે આટલી ઠંડી સહન કરવી દરેક વ્યક્તિની ક્ષમતામાં નથી. રશિયાના પ્રખ્યાત વ્લોગર એલી એક વીડિયોમાં કહે છે કે, બહારના લોકો માટે આ તાપમાન સહન કરવું ખૂબ મુશ્કેલ છે. ઉલ્ટી, ઝાડા અને હૃદય બેસી જઈ (હાર્ટ ફેઈલ) શકે છે. માત્ર 10 સેકન્માં માણસ મરી શકે છે.
સાખા વિસ્તારના લોકો કેવી રીતે રાખે છે પોતાને ગરમ
શિયાળામાં, સાખા વિસ્તારના લોકો પોતાને ગરમ કપડાંથી પુરા ઢાંકી રાખે છે. તેઓ અલગ-અલગ જાનવરોની ખાલમાંથી બનેલા સ્વેટર, ઓવરકોટ બનાવી ગરમ વસ્ત્રો પહેરે છે. કાનને ઢાંકવા માટે, પ્રાણીના ફરથી બનેલી ટોપીનો ઉપયોગ થાય છે. પગમાં હંમેશા બૂટ પહેરેલા રાખવામાં આવે છે. આ સિવાય દરેકના ઘરોમાં હંમેશા આગ સળગતી રહે છે અને તેના પર પાણી ગરમ થતુ જ રહે છે.
આજીવિકા કેવી રીતે ચાલે છે?
સાખામાં રહેતા મોટા ભાગના લોકો ઘોડા, ખચ્ચર અને અન્ય પશુઓ પાળીને પોતાનું ગુજરાન ચલાવે છે. એલી તેના વ્લોગમાં જણાવે છે કે, ત્યાંના ઘોડા, ખચ્ચર કે અન્ય પશુઓને શિયાળા દરમિયાન કોઈ આશ્રયની જરૂર નથી હોતી. તેઓ અહીંના તાપમાનને અનુકૂળ થઈ ગયેલા છે. તેમને કોઈ અલગ ખોરાકની જરૂર પણ નથી હોતી, બલ્કે તેઓ તે જાતે જ શોધી લે છે અને જ્યારે તરસ લાગે છે ત્યારે બરફ ચાવે છે.
લોકો શું ખાઈને જીવે છે?
સાખાના લોકો ઠંડીના દિવસોમાં કાચું ઘોડાનું માંસ, લીવર, સૂકી માછલી ખાઈને જીવિત રહે છે. આ વિટામિન્સ અને અન્ય જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આટલી ઠંડીમાં શાકભાજી કે અન્ય વસ્તુઓ ઉગાડવી શક્ય નથી હોતી. સ્થાનિક લોકો શિયાળામાં પણ માછલી પકડે છે, આ માટે તેઓ ખાસ પ્રકારના સાધનોનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો – યુ.એસ.ની ‘ટાઇટલ 42’ ઇમિગ્રેશન પોલિસી શું છે અને તે શા માટે વિસ્તરી રહી છે?
બ્રિટાનીકા અનુસાર, સખાના કેટલાક ઘરોમાં ગરમ પાણીનો પુરવઠો પણ છે. ત્યાં કોઈના ત્યાં ઠંડા પાણીની પાઈપો નથી, કારણ કે તે તરત જ થીજી જાય છે. હવે અહીં વાઈ-ફાઈ જેવી સુવિધા પણ તમામ ઘરોમાં પહોંચી ગઈ છે.